(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના ઈલેકશન ડિપાર્ટમેન્ટે તાકીદ અને સમયના અભાવને ટાંકીને, ચૂંટણી સંબંધિત કામોની શ્રેણી માટે નિર્ધારિત ટેન્ડર પ્રક્રિયાને અનુસર્યા વિના કામો સોંપવા બદલ સ્થાયી સમિતિ પાસેથી ‘પોસ્ટ-ફેક્ટો’ (કામ થયા પછીની) મંજૂરી માગી હતી, જેને વગર કોઈ ચર્ચાએ મંજૂરી આપી દેવામાં આવી હતી.
બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ ચાર પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવોમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૮૮૮ની કલમ ૭૨(૩) હેઠળ ટેન્ડરના નિયમોમાં છૂટછાટની માગ કરવામાં આવી હતી. આ કામોમાં ચૂંટણી સામગ્રીની હેરફેર, ઈવીએમ વેરહાઉસનું સમારકામ અને ઈવીએમની તપાસ દરમિયાન માનવબળ તથા ભોજન પૂરું પાડવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
સૌથી મોટો પ્રસ્તાવ મુંબઈ શહેર અને ઉપનગરોમાં મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) માટે ડેટા એન્ટ્રી ઓપરેટરોની નિમણૂક પાછળ ખર્ચાયેલા ૧૦.૮૧ કરોડ રૂપિયાને લગતો હતો. એસઆઈઆરએે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી મતદાર યાદીની ચકાસણી અને અદ્યતન કરવાની એક સઘન પ્રક્રિયા છે. પાલિકાના પ્રસ્તાવ મુજબ ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી નોંધણી અધિકારીઓની દરેક ઓફિસમાં ચાર મહિના માટે ૪૦ જેટલા ડેટા એન્ટ્રી ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી હતી. આ માટેનો દર કર સહિત પ્રતિ ઓપરેટર દીઠ ૨૮,૫૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.
પાલિકા પ્રસાશને જણાવ્યું હતું કે ‘પોસ્ટ-ફેક્ટો’ પ્રક્રિયાની તાકીદને કારણે વિવિધ એજન્સીઓ તેમજ વ્યક્તિઓ દ્વારા આ નિમણૂકો કરવામાં આવી હતી. ખર્ચના નિવેદનમાં કુલ ૧૦.૮૦ કરોડ રૂપિયાની કરારની રકમ દર્શાવવામાં આવી છે.
પાલિકાએ મ્યુનિસિપલ વેબસાઇટ અને જાહેર અખબારોમાં જાહેરાતો દ્વારા ઈ-ટેન્ડર આમંત્રિત કરવાની આવશ્યકતામાં છૂટછાટ મેળવવા માટે ‘પોસ્ટ-ફેક્ટો’ મંજૂરી માગી છે. પ્રશાસને આ પગલાંનો બચાવ કરતા કહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અપૂરતો સમય હતો અને ઓપરેટરોની નિમણૂક મુંબઈ શહેર કલેક્ટરની કચેરી દ્વારા ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણી માટે મંજૂર કરાયેલા દરો પર કરવામાં આવી હતી.
અન્ય એક પ્રસ્તાવમાં ૮.૮૩ લાખ રૂપિયાનો ખર્ચ સામેલ હતો. આ રકમ વિક્રોલી અને કાંદિવલી વેરહાઉસ ખાતે ૨૦,૦૦૦ કંટ્રોલ યુનિટ અને ૨૫,૦૦૦ બેલેટ યુનિટની પહેલા તબક્કાની તપાસમાં સામેલ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના એન્જિનિયરો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ભોજન, ચા અને નાસ્તા પાછળ ખર્ચવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ થી ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ દરમ્યાન નિરીક્ષણ પૂર્ણ કરવાની તાકીદને ધ્યાનમાં રાખીને, સ્પર્ધાત્મક ટેન્ડરો મગાવ્યા વિના બે નોંધાયેલા સિવિલ કોન્ટ્રાક્ટરોની સેવાઓ લેવામાં આવી હતી. આ પ્રક્રિયા આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ યોજાયેલી પાલિકાની ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભમાં હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી વિભાગે કાંદિવલી (પૂર્વ) સ્થિત ‘સંસ્કૃતિ સંકુલ’ ખાતેના વેરહાઉસમાં તાકીદના સિવિલ અને ઇલેક્ટ્રિકલ સમારકામ પાછળ ખર્ચાયેલા ૪.૯૯ લાખ માટે પણ મંજૂરી માગી છે.
પાલિકાએ જણાવ્યું હતું કે આ કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું હતું અને ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયાને કારણે સમારકામમાં વિલંબ થયો હતો. સ્થાયી સમિતિના સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ સમિતિના સભ્યો દ્વારા વિશેષ ચર્ચા કર્યા વિના ચૂંટણી સંબંધિત તમામ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી હતી.