બોલીવૂડ એક્ટર અજય દેવગણની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ પાન મસાલાની જાહેરાત કરવા બદલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી નોટિસ મળ્યા બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા અર્થાત્ જ સુધરાઈએ અભિનેતા સામે કાર્યવાહી હાથ ધરી છે. પહેલાં એક્ટરને એફડીએ દ્વારા નોટિસ મોકલાવવામાં આવી હતી અને હવે પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી જોતા એક્ટરની મુશ્કેલી કંઈ ઓછું થવાનું નામ નથી લઈ રહી.
મળતી માહિતી અનુસાર પાલિક દ્વારા અજય દેવગણના જુહુ સ્થિત અજય દેવગનના બંગલામાં થયેલા અનધિકૃત બાંધકામ પર પાલિકાએ હથોડો ચલાવ્યો છે. અહીંયા તમારી જાણકારી માટે કે આ અગાઉ પાલિકા દ્વારા એક્ટરને કામ રોકવા માટે કડક નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ રખાતાં આખરે પ્રશાસને સીધું ડિમોલિશનનું પગલું ભર્યું છે.
અજય દેવગણનો બંગલો મુંબઈના પોશ જુહુ વિસ્તારમાં આવેલી કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે, જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. આ બંગલામાં જરૂરી કાનૂની પરવાનગીઓ લીધા વિના મોટા પાયે આંતરિક ફેરફારો, નવી પાર્ટીશન દિવાલો, બારીઓ અને સ્ટ્રક્ચરલ ફેરફારોનું કામકાજ ચાલી રહ્યું હતું. પાલિકાનો સ્પષ્ટ આક્ષેપ છે કે સંબંધિત કચેરી પાસેથી મંજૂરી મેળવ્યા વિના જ આ ગેરકાયદે રિનોવેશન અને બાંધકામ ઊભું કરવામાં આવી રહ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ 10મી સપ્ટેમ્બર, 2026ના રોજ મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમની કલમ 354A હેઠળ અજય દેવગનને સત્તાવાર નોટિસ ફટકારી હતી. આ નોટિસમાં ચાલી રહેલું બાંધકામ તાત્કાલિક અસરથી રોકી દેવા અને જરૂરી પરવાનગીઓ તથા દસ્તાવેજો રજૂ કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
નોટિસ મળ્યા છતાં અભિનેતા તરફથી કોઈ સંતોષકારક ખુલાસો ન કરાયો અને ન તો બાંધકામનું કામ અટકાવાયું. નિયમોનું ઉલ્લંઘન સતત ચાલુ રહેતાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે બંગલા પર પહોંચીને ગેરકાયદે ઊભા કરાયેલા હિસ્સાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.