Fri Oct 16 2026

Logo

અનધિકૃત બાંધકામો સામેની પાલિકાની કાર્યવાહી રોકવા સર્વપક્ષીય નગરસેવકો એક થયા

2026-09-24 08:17:00
Author: Sapna Desai
અનધિકૃત બાંધકામો સામેની પાલિકાની કાર્યવાહી રોકવા સર્વપક્ષીય નગરસેવકો એક થયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૧૪ ફૂટથી વધુ ઊંચા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અનધિકૃત બાંધકામો સામે મુંબઈ મહાનગરપાલિકાએ પહેલી ઑક્ટોબરથી ડિસેમ્બર, ૨૬ સુધી કાર્યવાહી કરવાની  જાહેરાત સામે સર્વપક્ષીય નગરસેવકોએ  વિરોધ કર્યો  છે. પાલિકા પ્રશાસન અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરવા માગે છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના રાજકીય મતભેદોને એકબાજુએ રાખીને પ્રશાસનની પ્રસ્તાવિત કાર્યવાહી પાછી ખેંચવાની માગ સાથે એક થઈ ગયા છે.

બુધવારે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા દરમ્મયાન નગરસેવકોએ આગ્રહ કર્યો હતો કે પ્રશાસન દ્વારા કોઈપણ પગલાંને અમલમાં મૂકવામાં આવે તે પહેલાં પ્રસ્તાવને ચર્ચા માટે જૂથ નેતાઓની બેઠક સમક્ષ મૂકવામાં આવે. સ્થાયી સમિતિના  ચેરમેન પ્રભાકર શિંદેએ આગામી બેઠકમાં તેમનું વલણ સમજાવવા માટે પાલિકા પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો.

શિવસેના (યુબીટી)ના નગરસેવક યશોધર ફણસેએ જણાવ્યું હતું કે વર્સોવાના ગાવઠણ વિસ્તારના રહેવાસીઓએ આ પગલા વિશે સાંભળ્યા પછી તેમનો સંપર્ક કર્યો હતો. એઆઈએમઆઈએમના નગરસેવક જમીર કુરેશીએ ચેતવણી આપી હતી કે નગરસેવકો મતદારોના આશીર્વાદથી ચૂંટાઈને આવ્યા છેે અને જો તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તો નગરસેવકો તેને સહન કરશે નહીં એવી પ્રશાસનને ચેતવણી આપવાની સાથે જ તેમણે  ૨૪ ફૂટ સુધી ઝૂંપડપટ્ટી બાંધકામોને મંજૂરી આપવાની માગણી કરી હતી.

કૉંગ્રેસના જૂથ નેતા અશરફ આઝમીએ ભાજપ પર ૪૦ લાખ ઘરોના ચૂંટણી ઢંઢેરાના વચન પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાધારીએ પોતાનું વચન પાળવું જોઈએ. અશરફ આઝમીએ  ઝૂંપડપટ્ટી વિસ્તારોના સર્વેક્ષણ અને પુનર્વસન યોજનાની માંગણી કરી અને પાલિકાને  પ્રસ્તાવિત કાર્યવાહી પાછી ખેંચવાની હાકલ પણ કરી હતી.

શિવસેના (શિંદે જૂથ) જૂથના નેતા અમેય ઘોલેએ સાવધાનીપૂર્વક ટિપ્પણી કરતા કહ્યું હતું કે પાલિકાએ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં મહત્તમ માન્ય બાંધકામ ઊંચાઈ અંગે સ્પષ્ટ એસઓપી બનાવવી જોઈએ. એ સાથે જ તેમણેે મુંબઈના  કેટલાક વિસ્તારોમાં બાંધકામો પહેલાથી જ ૨૪ ફૂટથી વધુ થઈ ગયા હોવા બાબતે પ્રશાસનનું ધ્યાન દોરતા કહ્યું હતું કે   આવા બાંધકામોમાં બિનદસ્તાવેજીકૃત બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓને આશ્રય આપવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય નહીં અને વધુ બાંધકામને મંજૂરી આપતા પહેલા યોગ્ય ચકાસણી કરવાની પણ તેમણે માગણી કરી હતી.

પાલિકાના સભાગૃહ નેતા અને ભાજપના જૂથ નેતા ગણેશ ખનકરે પાલિકાના અમલીકરણ રેકોર્ડ પર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અનધિકૃત બાંધકામમાં બેફામ વધારા માટે કોણ જવાબદારી લેશે? જો મહાપાલિકાના અધિકારીઓ સમયસર કાર્યવાહી કરી  હોત તો આ ઝૂંપડપટ્ટીઓનો વિસ્તાર ન થયો હોત.  તેમણે ઉમેર્યું હતું કે  મંગળવારે પાલિકા  કમિશનર અશ્ર્વિની ભીડે સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

સ્થાયી સમિતિના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ મક્કમ વલણ અપનાવ્યું હતું કે મુંબઈમાં અનિયંત્રિત ઝૂંપડપટ્ટી અને અનધિકૃત બાંધકામો થવાની મંજૂરી આપી શકાય નહીં. માનવતાના નામે નાળાઓ પર બાંધકામોની મંજૂરી આપી શકાય નહીં, ખાસ કરીને જ્યારે બહુમાળી ઝૂંપડીઓ અને ભાડાના ઉપરના માળ ઊભરી રહ્યા છે. ગાવઠણ વિસ્તારોને એક અલગ અભિગમની જરૂર છે અને કોઈપણ કાર્યવાહી પહેલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સલાહ લેવાનો આગ્રહ રાખ્યો હતો અને જયાં સુધી ગ્રૂપ લીડર સાથે પ્રશાસનની આ મુદ્દે ચર્ચા થાય નહીં ત્યાં સુધી કમિશનરનો ખુલાસો પેન્ડિંગ રાખવાની માગ કરી હતી.

નોંધનીય છે કે પાલિકા  ૧ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી મુંબઈ અને તેના ઉપનગરોમાં ૧૪ ફૂટથી વધુ ઊંચા ૩૯,૧૧૧ અનધિકૃત બાંધકામો સામે ડિમોલિશન ઝુંબેશને વધુ તીવ્ર બનાવવા માટે તૈયાર છે, જેના કારણે હજારો બાંધકામો પાલિકા પ્રશાસનના નિયંત્રણ હેઠળ આવશે.