બીજેપી (BJP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ આડવાણીને છાતીમાં ઇન્ફેક્શન (ચેસ્ટ ઇન્ફેક્શન) ની ફરિયાદ બાદ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય આડવાણીને શુક્રવારે સાંજે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે. માહિતી મુજબ, છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ પછી વરિષ્ઠ નેતા આડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. હોસ્પિટલના પલ્મોનરી વિભાગમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
એક અઠવાડિયા પહેલાં PM મોદીએ કરી હતી મુલાકાત
વરિષ્ઠ નેતા અડવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેના લગભગ એક અઠવાડિયા પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઑક્ટોબરે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ થવા પર અડવાણીના આશીર્વાદ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ 7 ઑક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરકારનું નેતૃત્વ સંભાળ્યું હતું. ત્યારપછી તેમણે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ વડાપ્રધાન બન્યા અને સતત ત્રણ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી.
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અડવાણીજીની અનેક દાયકાઓની જાહેર સેવા અને દેશના જીવનમાં તેમના યોગદાનની ઊંડી છાપ રહી છે. મોદીએ દેશની પ્રગતિને મજબૂત કરવામાં અડવાણીજીની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
લાલકૃષ્ણ અડવાણી ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. તેમનો પ્રથમ કાર્યકાળ 1986થી 1990, બીજો 1993થી 1998 અને ત્રીજો કાર્યકાળ 2004થી 2005 સુધી રહ્યો હતો. તેમના નેતૃત્વમાં પાર્ટીનો ચૂંટણી આધાર ઝડપથી વધ્યો હતો. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી, જ્યારે 1989માં પાર્ટીએ 85 બેઠકો જીતી લીધી હતી. 1996માં ભાજપ લોકસભામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અડવાણીએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારમાં 1998થી 2004 સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અને 2002થી 2004 સુધી નાયબ વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ લોકસભામાં વિરોધ પક્ષના નેતા પણ રહ્યા હતા.