Tue Nov 10 2026

Logo

કોંગ્રેસ અને શિવસેનાના ઉમેદવારોને પછાડીને પુણે શિક્ષક બેઠક પર ભાજપના કૌસ્તુભ ગાવડેએ કેવી રીતે મેળવી જીત?

2026-10-28 21:25:04
Author: Mumbai Samachar Team
કોંગ્રેસ અને શિવસેનાના ઉમેદવારોને પછાડીને પુણે શિક્ષક બેઠક પર ભાજપના કૌસ્તુભ ગાવડેએ કેવી રીતે મેળવી જીત?

પુણે: મહારાષ્ટ્ર વિધાન પરિષદની પુણે શિક્ષક મતદાર બેઠકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કૌસ્તુભ ગાવડેએ બુધવારે વિજય મેળવ્યો હતો. બેલેટ પેપરથી યોજાયેલી આ ચૂંટણીમાં ગાવડેએ શિવસેનાના સમર્થિત  ઉમેદવાર સચિન સાનપ અને વર્તમાન કોંગ્રેસના વિધાન પરિષદ સભ્ય જયંત આસગાવકરને હરાવ્યા હતા. 28 રાઉન્ડની મતગણતરીના અંતે ગાવડેને 23,117 મત મળ્યા હતા, જ્યારે સાનપને 16,347 મત મળ્યા હતા.

સચિન સનપ રાજ્યના પ્રધાન ઉદય સામંતના વિશેષ કાર્ય અધિકારી (ઓએસડી) છે. તેઓ શાસક મહાયુતિના ઘટક પક્ષ શિવસેનાના સમર્થનથી ચૂંટણી લડ્યા હતા. ગાવડેએ સાનપ સામે જીત મેળવીને પુણે શિક્ષક બેઠક ભાજપના ખાતામાં મૂકી છે. 
મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો—પુણે સ્નાતક, નાગપુર સ્નાતક, છત્રપતિ સંભાજીનગર સ્નાતક, પુણે શિક્ષક અને અમરાવતી શિક્ષક—માટે 23 ઑક્ટોબરે મતદાન યોજાયું હતું. આ બેઠકોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 6 ડિસેમ્બરે પૂરો થતો હોવાથી ચૂંટણી યોજવાની જરૂર પડી હતી.

વિજય બાદ ગાવડેએ પોતાની જીત શિક્ષક સમુદાયને સમર્પિત કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષકોના અધિકારો અને ન્યાય માટે રસ્તા પર સંઘર્ષ શરૂ કર્યો ત્યારથી તેમણે પોતાનું જીવન આ મુદ્દા માટે સમર્પિત કર્યું છે. રાજ્ય વિધાનમંડળના સૌથી યુવા સભ્યોમાંના એક તરીકે ચૂંટાવા બદલ તેમનું સન્માન કરાયું હતું અને તેમણે શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉકેલવા કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ગાવડેએ ખાસ કરીને 2005 પહેલાંથી બિનઅનુદાનિત અને અંશતઃ અનુદાનિત શાળાઓમાં કાર્યરત એવા શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપવાની વાત કરી હતી, જેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓના હકો અને પેન્શન સંબંધિત મુદ્દાઓ ઉકેલવા તે તેમની પ્રાથમિકતા રહેશે.

ચૂંટણીમાં શિક્ષકોને નાણાં વહેંચવામાં આવ્યાં હોવાના અને શૈક્ષણિક સંસ્થાઓ પર મતદાનને પ્રભાવિત કરવા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને ગાવડેએ ફગાવી દીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે અલગ પક્ષનું પ્રતિનિધિત્વ કરવા છતાં શિવસેનાના સમર્થિત ઉમેદવાર સચિન સાનપે મિત્રતાપૂર્ણ રીતે ચૂંટણી લડી હતી.