શુભાંગ બ્રહ્મભટ્ટ
મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ ખાતે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા `પ્રસાદથી ઊર્જા' નામની પહેલ શરૂ કરવામાં આવી. ઉત્સવ દરમિયાન અન્ન, છત્ર અને પ્રસાદ કક્ષમાં ભેગા થતા ભીના કચરાને વિખૂટો પાડી કસ્તુરબા, જીટીબી અને સાયન હૉસ્પિટલના બાયોમિથેનેશન પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. દસ દિવસમાં આશરે 80 ટન ભીના કચરા પર પ્રક્રિયા કરી એમાંથી લગભગ 7744 યુનિટ રિન્યુએબલ વીજળીનું ઉત્પાદન કરવાનું આયોજન છે. બાયોમિથેનેશન પ્રક્રિયાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ હૉસ્પિટલના દર્દીના રૂમ, કોરિડોર તથા અન્ય કોમન વિસ્તારમાં લાઈટિગ માટે કરવામાં આવશે. ટૂંકમાં `પ્રસાદથી ઊર્જા' પહેલનો હેતુ વિશાળ પાયે ઉજવાતા જાહેર તહેવારો દરમિયાન ઉત્પન્ન થતા ભીના કચરાને ઊર્જા ઉત્પન્ન કરવા માટે વૈજ્ઞાનિક રીતે પ્રક્રિયા કરી શકાય છેએ દર્શાવવાનો છે. એનાથી પરંપરાગત કચરાના નિકાલ પ્રણાલીઓ પરનો બોજ ઘટે છે.
આ બાયોમિથેનેશન છે શું?
બાયોમિથેનેશન પ્લાન્ટના વપરાશથી પ્રદૂષણમાં ઘટાડ થાય છે. કચરો ખુલ્લામાં સડવાને બદલે પ્લાન્ટમાં વપરાતો હોવાથી મિથેન સીધો વાતાવરણમાં ભળતો નથી, જેથી ગ્રીનહાઉસ અસરમાં ઘટાડો થાય છે. વેસ્ટ - બગાડમાં ઘટાડો થાય છે. પાલિકાનો ભીનો કચરો, છાણ અને કૃષિ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે. હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ ઘટે છે અને પ્રદૂષણ મુક્ત ગ્રીન એનર્જી મળે છે. મુંબઈના ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી) દ્વારા વિકસાવાયેલું નિસર્ગરુણ મોડલ આનું ઉત્તમ ઉદાહરણ છે. જે કચરો રહિત (Zero-Garbage) વ્યવસ્થા પ્રદાન કરે છે. નિસર્ગરુણ પ્લાન્ટ શું છે? મુંબઈનો ભાભા એટમિક રિસર્ચ પ્લાન્ટ (બીએઆરસી) નવીન પદ્ધતિ અમલમાં મૂકવા સહિત વિવિધ કારણસર ખ્યાતિ ધરાવે છે. અહીંનો નિસર્ગરુણ બાયોગેસ પ્લાન્ટ બીએઆરસી દ્વારા વિકસિત કરવામાં આવેલી અત્યાધુનિક ટેકનોલોજી છે. આ ટેકનોલોજી શહેરો અને સંસ્થાઓમાં ઉદ્ભવતા જૈવિક કચરા (Biodegradable waste - organic waste)નું સ્થળ પર જ યોગ્ય વ્યવસ્થાપન કરવાનો છે. સંસ્કૃતમાં `નિસર્ગરુણ' શબ્દનો અર્થ થાય છે કુદરતનું ઋણ ચૂકવવું. આ પદ્ધતિથી કોઈ કચરો નથી થતો અને ઝીરો પ્રદૂષિત પાણીના સિદ્ધાંત પર કામ કરે છે.
લાઈટના બિલમાં યુનિટની હાજરી
તમે જો લાઈટનું બિલ ધ્યાનથી જોયું હશે તો એમાં ઢગલાબંધ વિગત આપવામાં આવી હોય છે. એમાંની એક વિગત બિલ ચુકવણીની રકમ નક્કી કરે છે - તમે કેટલા યુનિટ્સ વાપર્યા? એ યુનિટની સંખ્યા બિલની રકમ નક્કી કરે છે - ટૂંકમાં કેટલા પૈસા ભરવાના એ જણાવ્યું હોય છે. પ્રતિ યુનિટ વીજળીના દર નક્કી હોય છે અને એને યુનિટ સાથે ગુણાકાર કરતા બિલની મૂળ રકમ નક્કી થાય છે. ત્યારબાદ એમાં વિવિધ ચાજીર્સ ઉમેરી બિલ તૈયાર થાય છે.
એક યુનિટ વીજળી એટલે શું એ જાણો છો?
એક યુનિટ વીજળી એટલે એક કિલોવોટ - અવર (1 kWh) ઊર્જા. 1000 વોટ (1 Kilowatt)િિંંનો પાવર ધરાવતું કોઈ ઉપકરણ સતત એક કલાક સુધી ચાલુ રાખો ત્યારે જે વીજળી વપરાય એ એક યુનિટ કહેવાય છે. સરળ ભાષામાં સમજીએ તો 100 વોટનો બલ્બ 10 કલાક ચાલુ રહે ત્યારે એક યુનિટ વીજળી વપરાય છે. નહાવા જતી વખતે તમે ગરમ પાણી માટે ગીઝર વાપરો છો એ સામાન્યપણે 2000 વોટનું હોય છે. આ ગીઝર અડધો કલાક ચાલુ રહે તો એક યુનિટ વીજળી વપરાય. સીલિંગ ફેન - છત પરના પંખા સામાન્યપણે 50 વોટના હોય છે અને એ 20 કલાક ચાલુ રહે ત્યારે એક યુનિટ વીજળી વપરાય. દોઢ ટનનું એર - કન્ડિશનર એક કલાક વાપરવા સરેરાશ 1.5 યુનિટ વીજળી લાગે. હવે ખ્યાલ આવ્યો ને કે ગીઝર અને એસીના વપરાશમાં રેશનિંગ - મર્યાદા કેમ રાખવામાં આવે છે?
હા..આઆકછી: સાયન્સની દૃષ્ટિએ શુભ
શહેરમાં રહેતા લોકો કોઈ છીંક ખાય અને `બ્લેસ યૂ' કહે, પણ કાઠિયાવાડમાં તો `ઘણી ખમ્મા' સંભળાય. છીંક શરીરની એક અત્યંત મહત્ત્વપૂર્ણ રક્ષણાત્મક પ્રણાલી છે. આપણા નાકની અંદરની ત્વચામાં કોઈ પણ પ્રકારની બળતરા અથવા બાહ્ય કણો પ્રવેશે ત્યારે શરીર તેને બહાર ફેંકવા માટે આ પ્રક્રિયા કરે છે.
છીંક આવવા પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે. નાકની અંદર ધૂળના રજકણો, પરાગરજ, ધુમાડો, તીખા મસાલા (જેમ કે મરી) અથવા વાયરસ પ્રવેશે ત્યારે નાકની અંદર બળતરા થાય છે. બળતરા થતાં જ ચહેરા પરની નસ મગજના નીચેના ભાગમાં આવેલા સ્નીઝ સેન્ટરને સંદેશો મોકલે છે કે નાકમાં કંઈક ગરબડ છે અને સાફ કરવાની જરૂર છે. આંખો, ગળું અને મોં આપોઆપ બંધ થઈ જાય છે. છાતીના સ્નાયુઓ સંકોચાય છે અને ફેફસાં પર દબાણ આવે છે અને ફેફસાંમાંથી હવા અત્યંત તીવ્ર વેગ સાથે નાક અને મોં વાટે બહાર નીકળે છે. નાકની અંદર રહેલા કચરો, લાળ અને જંતુઓ બહાર ફેંકાઈ જાય છે.
છીંકના અજીબોગરીબ પ્રકાર છે. ફક્ત ધૂળ કે કચરાથી જ નહીં, પણ અન્ય વૈજ્ઞાનિક કારણસર પણ લોકોને છીંક આવે છે. કેટલાક લોકો સૂર્યના તેજસ્વી પ્રકાશ સામે જોતા જ છીંક ખાવા લાગે છે. કેટલાક લોકોને વધુ પડતું જમી લીધા પછી પેટ ભરાઈ જતાં જ છીંક આવે છે. ભ્રમરના વાળ ખેંચતી વખતે પણ છીંક આવી શકે છે. છીંકતી વખતે હંમેશાં મોં આડે રૂમાલ રાખવાથી જંતુઓ હવામાં અન્ય લોકો સુધી ન ફેલાય અને એમને તકલીફ ન થાય.
આટલું વાંચ્યા પછી જો તમે મહત્ત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હો અને અચાનક કોઈને છીંક આવે તો તેને કામમાં અવરોધનો સંકેત માનવાની ભૂલ નહીં કરતા, કારણ કે છીંક તો ખરાબી દૂર કરે છે એટલે એ શુભ ગણવી જોઈએ, શું કયો છો?
સૌથી યુવાન ગ્રહની ઉંમર છે ફક્ત 10 લાખ વર્ષ!
સંસ્કૃતનું એક સુભાષિત છે કે ग्रहा राज्यं प्रयच्छन्ति ग्रहा राज्यं हरन्ति च। મતલબ કે ગ્રહો (પ્રસન્ન થાય તો) રાજ્ય આપે અને (અપ્રસન્ન હોય તો) ગ્રહો રાજ્ય હરી લે છે. જોકે, ખગોળ વિજ્ઞાન આની સાથે સહમત નથી થતું. વિજ્ઞાન માટે ગ્રહ એટલે વિશાળ કુદરતી ખગોળીય પિંડ કે જે કોઈ તારા (દા.ત. સૂર્ય)ની આસપાસ નિશ્ચિત ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરતો હોય. આપણા સૌર મંડળમાં આઠ ગ્રહ (બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પ્રજાપતિ અને વણ) છે. પહેલા નવ હતા પણ પછી વૈજ્ઞાનિક વ્યાખ્યામાં ખરો ન ઉતરવાને કારણે પ્લુટોની 2006માં ગ્રહ તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓએ બ્રહ્માંડમાં અત્યાર સુધીનો સૌથી યુવા ગ્રહ (Youngest Exoplanet) શોધી કાઢ્યો છે, જેનું નામ Elias 2-24 b રાખવામાં આવ્યું છે. આપણા સૌર મંડળથી બહાર હોવાને કારણે એક્ઝોપ્લેનેટ કહેવાય છે. આ નવો શોધાયેલો `બેબી' ગ્રહ 10 લાખ વર્ષ કરતાં પણ ઓછી ઉંમરનો હોવાથી તેણે અત્યાર સુધીના સૌથી યુવા ગ્રહ હોવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આપણી પૃથ્વી અંદાજે 4.5 અબજ વર્ષ જૂની છે.પૃથ્વીથી આ ગ્રહ 450 પ્રકાશ વર્ષ દૂર છે. આ ગ્રહ બ્રહ્માંડના રહસ્યો અને પૃથ્વી પર જીવનની શરૂઆત કેવી રીતે થઈતે સમજવામાં મદદરૂપ થઈ શકે છે.