પટના: બિહારમાં આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના આરોપમાં વિશેષ દેખરેખ એકમ (એસવીયુ)એ પથ નિર્માણ વિભાગના અધિક્ષક ઇજનેર વિજય કુમારના અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પટનામાં ઇજનેરના ઘરે પહોંચેલી ટીમને જોઈ તેની પત્નીએ કથિત રીતે રોકડ ભરેલી બેગ ઘરની પાછળ ફેંકી દીધી હતી. જોકે, તપાસ ટીમની નજર બેગ પર પડતાં તેને જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આશરે રૂપિયા 3.28 કરોડની અપ્રમાણસર સંપત્તિનો ખુલાસો થયો છે.
એસવીયુની અલગ-અલગ ટીમોએ પટનાના દાનાપુર સ્થિત ગોલા રોડના સાંઈ શરણમ આવાસ, મહેશ નગરના ફ્લેટ, સહેરસામાં સરકારી નિવાસસ્થાન તથા ઔરંગાબાદના દાઉદનગર સહિત પાંચ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. પટનાના ગોલા રોડ સ્થિત નિવાસસ્થાને દરોડા દરમિયાન દરવાજો ખોલવામાં આવ્યો ન હોવાનો અને આ દરમિયાન ઘરની પાછળ રોકડ ભરેલી બેગ ફેંકવામાં આવી હોવાનો આરોપ છે. ટીમે બેગ જપ્ત કરીને તેની તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ગોલા રોડના સાંઈ શરણમ આવાસમાંથી રૂપિયા 31.42 લાખ રોકડ મળી આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ બેંકોમાં આશરે રૂપિયા 10 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)ના દસ્તાવેજો, રૂપિયા 23.23 લાખથી વધુ કિંમતનાં સોના-ચાંદીના દાગીના અને રોકાણ તથા વીમા સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તપાસ એજન્સી હવે આ નાણાં અને રોકાણના સ્ત્રોતની ચકાસણી કરી રહી છે.
વિજય કુમાર અને તેની પત્નીના નામે ભારતીય સ્ટેટ બેંકના સાત તથા બેંક ઓફ બરોડાના બે ખાતાં મળી આવ્યાં છે. આ નવ ખાતાંમાં કુલ આશરે રૂપિયા 1.29 કરોડ જમા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન બેંક ખાતાં, રોકડ, દાગીના અને અન્ય રોકાણોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
એસવીયુની પ્રાથમિક તપાસ મુજબ, વિજય કુમાર પાસે તેની જાણીતી આવક કરતાં 139.87 ટકા વધુ સંપત્તિ હોવાનો આરોપ છે. કુલ અપ્રમાણસર સંપત્તિનો અંદાજ રૂપિયા 3,28,70,600 લગાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીને માહિતી મળી હતી કે ઇજનેર અને તેની પત્નીના નામે પટના તથા અન્ય વિસ્તારોમાં અનેક ફ્લેટ, જમીન અને મકાનો છે. આ માહિતીના આધારે તપાસ બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ જપ્ત કરાયેલી રોકડ, દાગીના, બેંક ખાતાં અને મિલકતોના દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. સંપત્તિનો સ્ત્રોત અને આવક સાથેનો હિસાબ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.