મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 20’ની શરૂઆત 6 સપ્ટેમ્બર, 2026ના ધમાકેદાર રીતે થઈ હતી. સુપરસ્ટાર સલમાન ખાને શોની નવી સિઝનની શરૂઆત કરી હતી. આ વખતે ફિલ્મ, ટીવી અને સોશિયલ મીડિયાની દુનિયાના અનેક જાણીતા ચહેરાઓ સ્પર્ધક તરીકે બિગ બોસના ઘરમાં પ્રવેશ્યા છે. જોકે, શોની શરૂઆતમાં જ એક સ્પર્ધકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોડલ અને એક્ટ્રેસ રિયા અહીરને બિગ બોસના ઘરમાં પ્રવેશવાની તક મળી નહોતી અને ત્યાર બાદ તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ હતી.
‘બિગ બોસ 20’ના પ્રીમિયર એપિસોડમાં સલમાન ખાને રિયા અહીર અને લવ ગિલને એકસાથે સ્ટેજ પર બોલાવ્યા હતા. બંનેમાંથી કોને બિગ બોસના ઘરમાં પ્રવેશ આપવો તે નિર્ણય જનતાના વોટ્સના આધારે થવાનો હતો. જનતાના વોટ્સમાં લવ ગિલે બાજી મારી અને તેમને બિગ બોસના ઘરમાં પ્રવેશવાની તક મળી. બીજી તરફ, ઓછા વોટ્સ મળવાને કારણે રિયા અહીર શોની શરૂઆતમાં જ બહાર થઈ ગયા. રિયાને ઘરમાં એન્ટ્રી ન મળતાં સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને અપમાનજનક કોમેન્ટ્સ પણ કરી.
રિયા અહીર અને લવ ગિલ વચ્ચે શોની શરૂઆત પહેલાંથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને સીજેપી પ્રોટેસ્ટને લઈને બંને વચ્ચે સોશિયલ મીડિયા પર ઉગ્ર શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. બંને એકબીજા પર આક્ષેપો કરતી જોવા મળી હતી. બિગ બોસના પ્રીમિયર દરમિયાન જ્યારે બંને વચ્ચે ઘરમાં પ્રવેશ મેળવવા માટે બેટલ યોજાઈ, ત્યારે લવ ગિલે જીત મેળવી અને રિયાને ઘરની બહાર રહેવું પડ્યું. આ ઘટના બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રિયાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
ટ્રોલિંગથી રિયા અહીર ચૂપ રહી નહોતી. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કેટલીક અપમાનજનક કોમેન્ટ્સના સ્ક્રીનશોટ શેર કરીને તેમણે ટ્રોલ્સને જવાબ આપ્યો હતો. રિયાએ એક વીડિયો શેર કરીને કહ્યું કે, તેમણે અગાઉ પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો, પરંતુ હવે તેઓ લોકોને આ ઘટનાનો બીજો પક્ષ પણ બતાવવા માગે છે. રિયાએ ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું કે, કેટલાક લોકો ‘140 રૂપિયા’ જેવી કમેન્ટ્સ કરીને તેમનો રેટ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે લોકોને એવું કેમ લાગી રહ્યું છે કે જાણે તેમણે કોઈની થાળીમાંથી કંઈક છીનવી લીધું હોય.
રિયાએ વધુમાં કહ્યું કે કોઈ વ્યક્તિને ‘કિન્નર’ કહીને અપમાનિત કરવું એ કોઈ મોટી વાત નથી. તેમણે કિન્નર સમુદાયને સમાજનો એક મજબૂત સમુદાય ગણાવ્યો અને કહ્યું કે તેમને નથી લાગતું કે ‘કિન્નર’ શબ્દ ગાળ છે.
રિયા અહીર મુંબઈમાં રહે છે અને તેઓ મોડલ, એક્ટ્રેસ તથા હોસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે થિયેટર, કમર્શિયલ્સ અને મ્યુઝિક વીડિયોઝમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં રિયા નીટ પેપર લીક મામલે યોજાયેલા સીજેપી પ્રોટેસ્ટમાં સામેલ થઈ હતી. આ દરમિયાન તેઓ ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા. આ વિરોધ દરમિયાન તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ પોલીસ વાનને રોકતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને રિયા ચર્ચામાં આવી હતી.
Viral Girl Rhiya Ahir : Rahul Gandhi | रिया आहिरसोबत काय घडलं ? | CJP Protest#RahulGandhi #StudentProtest #Students #Education #NEET #StudentMovement #IndiaNews #BreakingNews #MumbaiSamacharMarathi #MarathiNews pic.twitter.com/l7vNF0bG0P
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) August 6, 2026
બીજી તરફ ‘બિગ બોસ 20’ની વાત કરીએ તો શોની શરૂઆત સાથે જ ઘરમાં હંગામો જોવા મળ્યો છે. આ સિઝનમાં બોક્સર મેરી કોમ, માહી વિજ, આસિફ શેખ, કનિકા માન, અરિશ્ફા ખાન, સિંગર કાજી તૌકીર, આમ્રપાલી દુબે, ઈશા રિખી, તન્મય સિંહ, કુશલ તંવર, હર્ષ મચારે, ઉદિતિ સિંહ, રોહેડ ખાન, લવ ગિલ, રિતિ તિવારી અને અમન ગાંધી સહિતના સ્પર્ધકોએ એન્ટ્રી લીધી છે.
શોના પહેલા જ દિવસે ઘરમાં મતભેદો શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને માહી વિજના બોસી વર્તનને લઈને ઈશા રિખી, અરિશ્ફા ખાન અને અમન ગાંધી સહિતના અન્ય સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. માહી વિજ ઘરના અન્ય સભ્યોને અલગ-અલગ કામ સોંપવા લાગ્યા હતા. આ વાત અન્ય સ્પર્ધકોને પસંદ આવી નહોતી અને તેમણે તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આમ, ‘બિગ બોસ 20’ની શરૂઆતના પ્રથમ દિવસથી જ ઘરમાં વિવાદો અને ટકરાવનો માહોલ જોવા મળ્યો છે.