Tue Nov 17 2026

Logo

ભુવનેશ્વરે જ્યાં ડેબ્યૂ કર્યું ત્યાં જ કમબૅકનો મોકોઃ શનિવારે કૅરિબિયનોની ખબર લઈ નાખવા તૈયાર

2026-10-16 19:39:00
Author: Ajay Motiwala
ભુવનેશ્વરે જ્યાં ડેબ્યૂ કર્યું ત્યાં જ કમબૅકનો મોકોઃ શનિવારે કૅરિબિયનોની ખબર લઈ નાખવા તૈયાર

BCCI


ઈજાગ્રસ્ત અર્શદીપની ઈજાને પગલે ભુવી ટી-20 ટીમમાં સામેલ

બેંગ્લૂરુઃ લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહ ડાબા ખભાની ઈજાને કારણે શનિવારે બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી સિરીઝની પાંચમી અને નિર્ણાયક ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)માં નહીં રમી શકે તો તેના સ્થાને ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવામાં આવશે. શુક્રવારે ભુવી (Bhuvi)નો ભારતની સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો એ સાથે સોશ્યલ મીડિયામાં તેના ચાહકોએ તેને ચાર વર્ષે કરવા મળેલા વહેલા કમબૅક બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને પીટીઆઇના અહેવાલમાં રસપ્રદ માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે ભુવીએ 2012માં ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં બેંગ્લૂરુમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તેને ત્યાં જ કમબૅક કરવાની તક મળી છે. અર્શદીપ (Arshdeep) શનિવારે રમે એની સંભાવના ઓછી છે, કારણકે સામાન્ય રીતે ખભાની ઈજામાંથી ખેલાડીને સ્વસ્થ થતાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા લાગે છે.

87 મૅચમાં 90 વિકેટ, બેંગ્લૂરુ ફેવરિટ ગ્રાઉન્ડ

ઉત્તર પ્રદેશનો 36 વર્ષીય રાઇટ-આર્મ પેસ બોલર ભુવનેશ્વર વર્તમાન ક્રિકેટ જગતનો જાણીતો સ્વિંગ સ્પેશ્યલિસ્ટ છે અને છેલ્લી બે આઇપીએલમાં તેણે શાનદાર પર્ફોર્મ (30 મૅચમાં 45 વિકેટ) કર્યું હતું એટલે શનિવારે એ અનુભવ અને જોશને આધારે તે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતને 3-2થી સિરીઝ જિતાડશે તો નવાઈ નહીં લાગે. આવતા અઠવાડિયે ન્યૂ ઝીલૅન્ડમાં શરૂ થનારી પાંચ મૅચની ટી-20 શ્રેણીની ટીમમાં તેનો સમાવેશ પહેલાથી જ થઈ ચૂક્યો છે. જોકે ભુવીને એ ટૂર પહેલાં જ ટીમમાં પુનરાગમન કરવા મળી રહ્યું છે. છેલ્લે તે 2022ની બાવીસમી નવેમ્બરે નૅપિયરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20માં રમ્યો હતો. શનિવારે તે શ્રેયસ ઐયરની ટીમને કૅરિબિયન ટીમના દાવની શરૂઆતમાં તેમ જ ડેથ ઓવર્સમાં ઘણો કામ લાગશે. બેંગ્લૂરુમાં ભુવીનો પર્ફોર્મન્સ સારો રહ્યો છે. તે આઇપીએલની વર્તમાન ચૅમ્પિયન ટીમ આરસીબીનો મહત્ત્વનો બોલર છે. 

પ્રથમ ટી-20માં ત્રણ વિકેટ લીધી હતી

ભુવી ભારત વતી છેલ્લે 2022માં રમ્યો હતો. જોકે નવાઈની વાત એ છે કે તેણે ડિસેમ્બર, 2012માં બેંગ્લૂરુમાં ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. 14 વર્ષ પહેલાંની એ મૅચ પાકિસ્તાન સામે રમાઈ હતી જેમાં ભુવીએ માત્ર નવ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ હાફીઝના સુકાનમાં પાકિસ્તાનની ટીમે વિજય મેળવતાં પહેલાં જે પાંચ વિકેટ ગુમાવી હતી એમાંથી ત્રણ ભુવીએ લીધી હતી. નાસિર જમશેદ ટી-20માં તેનો પહેલો શિકાર હતો.

અર્શદીપને જોસેફે ખભા પર બૉલ માર્યો

બુધવારે હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટી-20 સિરીઝની ચોથી મૅચની અંતિમ પળોમાં ફાસ્ટ બોલર શમાર જોસેફના બૉડીલાઇન ક્રિકેટની બોલિંગમાં ખભામાં ગંભીર ઈજા થઈ એને લીધે તે શનિવારે બેંગ્લૂરુની અંતિમ ટી-20 મૅચ કદાચ નહીં રમી શકે એટલે તેના સ્થાને સંભવિત અનુગામી તરીકે `ટૉક ઑફ ધ ટાઉન' ભુવનેશ્વર કુમારને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે. અર્શદીપને જોસેફનો બૉલ બોલિંગવાળા ડાબા હાથના ખભા પર વાગ્યો હતો. બન્ને ટીમ 2-2ની બરાબરીમાં હોવાથી શનિવારની મૅચ નિર્ણાયક બનશે.