ભુજઃ રાજસ્થાનથી લાવવામાં આવેલા બાળ ઘોરાડના ઉછેરમાં કચ્છ વન વિભાગને બીજી વખત મોટી સફળતા સાંપડતાં નર બચ્ચાંએ ઉડાન ભરવાનું શરૂ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા અને વન વિભાગની કામગીરીનું નિરીક્ષણ કરવા ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આગામી તા. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરના બે દિવસીય કચ્છ પ્રવાસે આવી રહ્યા છે.
કચ્છના મુખ્ય વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ અને નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરે જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રી ૧૩ સપ્ટેમ્બરના સવારે ભુજ ખાતે 'ચેરિયાં'ના વિષય પર આયોજિત સેમિનારમાં હાજરી આપશે. ત્યારબાદ ૧૪ સપ્ટેમ્બરે તેઓ અબડાસા સ્થિત ઘોરાડ અભયારણ્યની મુલાકાત લઈ બાળ ઘોરાડનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ નલિયા ખાતે ઘોરાડના ઈંડાં અને બચ્ચાંના સંવર્ધન માટે તૈયાર કરાયેલા સોફ્ટ ટીનેજ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરશે. એક બચ્ચાના સફળ ઉછેર બાદ હવે વધુ ઈંડાં લાવી ઘોરાડની સંખ્યા વધારવાનું આયોજન છે.
બીજી તરફ, વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત ખૂબ મહત્વની ગણાઈ રહી છે. કચ્છના બન્ની વિસ્તારમાં આગામી સમયમાં વડાપ્રધાનના હસ્તે ચિત્તા મુક્ત કરવાનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો હોય, સ્થાનિક કક્ષાએ ચાલી રહેલી તૈયારીઓની આખરી સમીક્ષા કરવા માટે પણ વનમંત્રી આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)