(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના ભુજમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ગુરુવારે એસીબીની ટીમે ભુજ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી ચંદુભાઈ ગેલાભાઈ હરણને પ્રાંત અને મામલતદાર કચેરી ખાતેથી જ રૂપિયા ૩૫,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ કેસની મળતી વિગતો અનુસાર, આ કામના ફરિયાદીએ ભુજ ખાતે આવેલી તેમની વડીલોપાર્જિત જમીન ગત ૨૭ માર્ચ ૨૦૨૬ ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચી દીધી હતી. આ જમીન વેચ્યા બાદ ફરિયાદી પાસે અન્ય કોઈ ખેતીની જમીન બચી ન હોવાથી, તેમનો 'ખેડૂત ખાતેદાર' તરીકેનો દરજ્જો ચાલુ રાખવા માટે એક દાખલાની જરૂર હતી. આ દાખલો કાઢી આપવા માટે રેવન્યુ તલાટી ચંદુભાઈ હરણે શરૂઆતમાં રૂપિયા ૪૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જોકે, રકઝકના અંતે રૂપિયા ૩૫,૦૦૦ માં સોદો નક્કી થયો હતો અને આજ રોજ આ રકમ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની અરજીના આધારે એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં જ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપી ચંદુભાઈ હરણે ફરિયાદી સાથે વાતચીત કરી નક્કી થયેલી લાંચની રકમ રૂ. ૩૫,૦૦૦ સ્વીકારી હતી. રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.