Tue Nov 17 2026

Logo

સસ્તા સોનાની લાલચે મહારાષ્ટ્રના યુવક સાથે રૂપિયા 12.16 લાખની ઠગાઈ, ભુજના પાંચ શખ્સો સામે ગુનો દાખલ...

2026-10-17 13:57:33
Author: Vimal Prajapati
સસ્તા સોનાની લાલચે મહારાષ્ટ્રના યુવક સાથે રૂપિયા 12.16 લાખની ઠગાઈ, ભુજના પાંચ શખ્સો સામે ગુનો દાખલ...

ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આકર્ષીને છેતરપિંડી આચરવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના એક યુવકને બજાર કરતાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી રૂપિયા 12,16,953ની ઠગાઈ કરવા અંગે ભુજના પાંચ શખ્સો વિરુદ્ધ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના કાંદીવલી ખાતે રહેતા જય રીપેશભાઈ વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓએ ફેસબુક પર ખોટી આઈડી બનાવીને સોનાના બિસ્કિટ વેચાણ અર્થે મૂક્યા હતા. આ મામલે સંડોવાયેલા આરોપીઓમાં રાજીવ જોશી (સાચું નામ આફતાબ અનવર સોઢા), નીતીન પટેલ (સાચું નામ મુસ્તાક ઇસ્માઇલ ફકીર), નિકુંજ પટેલ (સાચું નામ અશરફ અહમદ વર્યા), જાવેદ મામદ સમા અને ફિરોજ બાબુ શેખ (તમામ રહે. ભુજ)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મુખ્ય આરોપી આફતાબે રાજીવ જોશીના નામે ફેસબુક આઈડી બનાવી સોનાના બિસ્કિટની પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટ જોઈને લલચાયેલા ફરિયાદી જય વ્યાસ આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ બજારભાવ કરતા સસ્તા દરે સોનું આપવાનું બહાનું ધરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીએ સસ્તા ભાવે સોનાના ચાર બિસ્કિટ મંગાવ્યા હતા, જેના પેટે ટુકડે-ટુકડે કુલ રૂપિયા 13,84,953 ઓનલાઈન તથા અન્ય માધ્યમથી ચૂકવ્યા હતા.

સમય વીતવા છતાં સોનું ન મળતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. અવારનવારની ઉઘરાણી બાદ આરોપીઓએ માત્ર રૂપિયા 1,68,000 પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂપિયા 12,16,953 તેમજ સોનું આપવાનું ટાળી છેતરપિંડી આચરી હતી. આખરે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે ભુજ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)