Thu Nov 19 2026

Logo

ભુજમાં ૪૫૦ વર્ષ જૂની રાજપરંપરા મુજબ આશાપુરા મંદિરે પતરી વિધિ સંપન્ન...

2026-10-19 15:44:06
Author: Mayur Patel
ભુજમાં ૪૫૦ વર્ષ જૂની રાજપરંપરા મુજબ આશાપુરા મંદિરે પતરી વિધિ સંપન્ન...

ભુજ: કચ્છની ઐતિહાસિક ધરોહર અને ધાર્મિક આસ્થાનું પ્રતીક ગણાતી ભુજની આશાપુરા માતાના મંદિરે આસો નવરાત્રિની આઠમના પવિત્ર દિવસે સાડા ચારસો વર્ષ જૂની રાજપરંપરા મુજબ પતરી એટલે કે જાતર વિધિ પૂરી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. કચ્છના રાજપરિવાર સાથે જોડાયેલી આ પરંપરામાં વર્ષોની શ્રદ્ધા, સંસ્કૃતિ અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. 

આ વર્ષે પણ મહારાણી પ્રીતિ દેવીનાજીના આદેશ અનુસાર દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ પરંપરાગત ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત કચ્છના રાજભવન તરીકે ઓળખાતા ઐતિહાસિક પ્રાગમહેલની ટીલામેડી ખાતે પૂજનવિધિથી કરવામાં આવી હતી. અહીં પૂજા-અર્ચના પૂર્ણ કર્યા બાદ ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા હાથમાં ચામર લઈને ખુલ્લા પગે આશાપુરા માતાના મંદિર તરફ રવાના થયા હતા. રાજપરિવારની આ પરંપરાગત યાત્રા ધાર્મિક શ્રદ્ધા સાથે રાજકીય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની યાદ અપાવતી રહી હતી.

ભુજના કોટ અંદરના હેરિટેજ વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિરે પહોંચતાં પૂજારી જનાર્દનભાઈ રાવલે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પૂજારી દ્વારા રાજપરિવારના સભ્યોને માતાજીના નિજ મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માતાજીની રોચક પૂજા-અર્ચના કર્યા બાદ ચામર અર્પણ કરી પતરી ચડાવવાની મુખ્ય વિધિ શરૂ થઈ હતી. આ વિધિ દરમિયાન માતાજીના મસ્તક પર ચડાવવામાં આવેલી પતરી રાજપરિવારના સભ્યોએ પોતાના ખેસમાં ઝીલી હતી. પતરી વિધિ આશાપુરા મંદિરના જયેશભાઈ દ્વારા સંપન્ન કરાવવામાં આવી હતી, જ્યારે પૂજારી કવચ અને મારુતે ગર્ભગૃહમાં વ્યવસ્થા સંભાળી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ ભક્તો માટે અંદાજે ૭૦૦ કિલો લાપસીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દરમ્યાન, કચ્છના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ એવા દેશદેવી મા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે પણ આસો નવરાત્રિ પર્વને લઈને અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસોથી શરૂ થયેલો યાત્રિકોનો પ્રવાહ નવરાત્રિમાં અવિરત ચાલુ રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં અંદાજિત ૭ લાખ કરતાં પણ વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા છે, જ્યારે માત્ર આઠમના દિવસે જ ૬૦ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

દર્શનાર્થીઓની ભારે ભીડને કારણે યાત્રાધામની મુખ્ય બજાર, હાઈવે માર્ગો, બસ સ્ટેશન અને મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. નવરાત્રિના પ્રારંભે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા માતાના મઢ પહોંચ્યા હતા, જ્યારે સાતમા અને આઠમા નોરતે ભક્તો પોતાના વાહનો દ્વારા મોટી સંખ્યામાં ઉમટી પડતાં તમામ પાર્કિંગ પ્લોટ વાહનોથી ખચાખચ ભરાયેલા નજરે પડ્યા હતા. ચારેકોર 'જય માતાજી'ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 

(ઉત્સવ વૈદ્ય)