Tue Oct 13 2026

Logo

ભિવંડીમાં બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં આગથી રહેવાસીઓમાં ગભરાટ: 14 ટુ-વ્હીલર ખાક

2026-09-16 19:00:45
Author: Yogesh C. Patel
ભિવંડીમાં બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં આગથી રહેવાસીઓમાં ગભરાટ: 14 ટુ-વ્હીલર ખાક

જીવ બચાવવા લોકો અગાશી તરફ દોડ્યા: શૉર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાની શક્યતા

થાણે: ભિવંડીમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા પાર્કિંગ એરિયામાં મળસકે લાગેલી આગથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ અને ધુમાડો ઝડપભેર ફેલાતાં જીવ બચાવવા રહેવાસીઓ અગાશી તરફ દોડ્યા હતા. આગમાં 14 ટુ-વ્હીલર ખાક થઈ ગઈ હતી, જ્યારે એક મહિલાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.પોલીસના જણાવ્યા મુજબ આગની ઘટના ભિવંડીના ખંડુપાડા વિસ્તારમાં બુધવારના મળસકે 3.45 વાગ્યાની આસપાસ ઉમર એપાર્ટમેન્ટમાં બની હતી. બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં 14 બાઈક-સ્કૂટર સળગીને ખાક થઈ ગયા હતા.

આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનો અંદાજ રહેવાસીઓએ વ્યક્ત કર્યો હતો. જોકે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શાંતિનગર પોલીસ કરી રહી છે.ચાર માળના ઉમર એપાર્ટમેન્ટમાં પચીસ ફ્લૅટ આવેલા છે. આગ ઝપાટાભેર વધતાં બિલ્ડિંગમાં બધે ધુમાડો ફેલાઈ ગયો હતો. ભરઊંઘમાંથી જાગી ગયેલા રહેવાસીઓ ડરના માર્યા જીવ બચાવવા ટેરેસ પર પહોંચી ગયા હતા. 
એક રહેવાસીના કહેવા મુજબ ચાર વાગ્યાની આસપાસ તેની ઊંઘ ઊડી ત્યારે કોલાહલ સંભળાતો હતો.

બારીમાંથી જોયું તો આગ લાગી હોવાનું દેખાતું હતું. તરત જ દરવાજો ખોલી બહાર જવાનો પરિવારજનોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ ધુમાડાને કારણે બધું ધૂંધળું દેખાતું હતું.ધુમાડો એટલો બધો ફેલાયો હતો કે અમુક મહિલાઓને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્રીજે માળે રહેતી એક મહિલાને ગૂંગળામણને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.
દરમિયાન આગની માહિતી મળતાં ભિવંડી-નિઝામપુરા મહાપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકમાં જ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વીજ કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા. કહેવાય છે કે રહેવાસીઓ વીજ કંપનીના અધિકારીઓ પર રોષે ભરાયા હતા. જોકે પોલીસે મામલો શાંત પાડ્યો હતો.