અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા ભવાન ભરવાડ અને આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વચ્ચેની નિવેદનબાજી હાલ ભારે ચર્ચાનો વિષય બની છે. એક જાહેર મંચ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભવાન ભરવાડે ગોપાલ ઈટાલિયા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગોપાલ ઈટાલિયા રાડો પાડે છે. સાહેબ, એને મોઢાનો લકવો થઈ જશે. ભવાન ભરવાડના આ નિવેદન પર હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ભગવાન મારા દુશ્મનોને પણ લકવો ન કરાવે. રાજનીતિ છે ભાઈ, જેને જે આવડે એવું બોલે. ભગવાન દરેકની ઉંમર વધારે.
ગોપાલ ઈટાલિયાએ શું આપ્યો જવાબ
ભવાન ભરવાડની ટિપ્પણીઓનો ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જવાબ આપ્યો હતો. ઈટાલિયાએ જણાવ્યું કે, જનતાના હિતની વાત કરનારાઓને બદલે લકવો ગુજરાતમાં ગેરકાયદે દારૂ વેચતા બુટલેગરોને થવો જોઈએ, જેથી લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકોના જીવ બચે અને અનેક બહેનો-દીકરીઓના સુહાગ તથા પિતાની છત્રછાયા ન છીનવાય.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ્યો BJP નેતાને જવાબ ? | Gopal Italia | Political News #GopalItalia #BhawanBharwad #GujaratPolitics #AapGujarat #bjp #FarmersAndHerders #GujaratNews #PoliticalStatement https://t.co/BxZJutKHLc
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 16, 2026
જેસીબી નહીં, આઈએએસ-આઈપીએસ બને તેવું કામ કરવું જોઈએ
તેમણે આરોપ લગાવ્યો કે ગામડે ગામડે ગૌચર જમીનો પર દબાણો થઈ ગયાં છે, મકાનો અને ફેક્ટરીઓ બની ગઈ છે. કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં માલધારીઓ પશુઓ માટે ઘાસ-પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ઈટાલિયાએ ઉમેર્યું કે ભવાન ભરવાડે આવી ટિપ્પણી કરવાને બદલે માલધારીઓના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરવી જોઈતી હતી.
આ ઉપરાંત, વીડિયોમાં કહ્યું હતું કે ભરવાડના સમાજના યુવાનો જેસીબી નહીં, આઈએએસ-આઈપીએસ બને તેવું કામ કરવું જોઈએ. તમામ સમાજના યુવાનો માત્ર શ્રમકાર્ય કે જેસીબી ચલાવવા પૂરતા સીમિત ન રહેવા જોઈએ, પરંતુ પેન ચલાવીને આઈએએસ, આઈપીએસ, મંત્રી કે બોર્ડ-નિગમના ચેરમેન બને તેવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ.
ભવાન ભરવાડને વડીલ ગણાવી શું કહ્યું
ગોપાલ ઈટાલિયાએ સ્પષ્ટ કર્યું કે તેઓ આવી નિવેદનબાજીને વ્યક્તિગત રીતે લેતા નથી. તેમણે ભવાન ભરવાડને વડીલ ગણાવી આમંત્રણ આપતાં કહ્યું કે તે વડીલ તરીકે તેમના અનુભવનું માર્ગદર્શન મળે અને યુવાનોને વહીવટી તંત્ર તેમ જ રાજકારણમાં આગળ લાવવા સાથે મળીને પ્રયાસો થઈ શકે તે માટે તેઓ સાથે બેસીને ચર્ચા કરવા તૈયાર છે.