Sun Nov 15 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ લીલાપુરની ભવાઈ: 125 વર્ષથી ભજવાતા ખેલ ખરેખર જોવા જેવા છે...

2026-10-17 08:55:42
Author: Jaywant Pandya
સિક્કાની ત્રીજી બાજુઃ લીલાપુરની ભવાઈ: 125 વર્ષથી ભજવાતા ખેલ ખરેખર જોવા જેવા છે...

જ્યવંત પંડ્યા

નવરાત્રિમાં ભવાઈની સ્મૃતિ તાજી ન થાય તેવું કેમ બને? જ્યારે મનોરંજનનાં વિપુલ સાધનો ઉપલબ્ધ નહોતાં ત્યારે ભાવનગરમાં આતાભાઈ ચોક અને હલુરિયા ચોકમાં ભવાઈના ખેલ થતા. મુસ્લિમ આક્રાંતાઓ સામે રાજાઓની લડત અને પંથીય કથાઓના વેશ ભજવાતા. આવી ભવાઈ વિશેનો ઇતિહાસ રસપ્રદ છે.

સિદ્ધપુરમાં અચ્યુતવર્ધન (જે અસાઇત નામે જાણીતા છે) ઠાકર નામના સાચા અર્થમાં બ્રાહ્મણ થઈ ગયા. એક મુસ્લિમ સેનાપતિની કુદૃષ્ટિ ઊંઝાના હેમાળા પટેલની દીકરી ગંગા પર પડી, પરંતુ તે સમયે એવું હતું કે બ્રાહ્મણોની દીકરી પર મુસ્લિમ સેનાપતિ કુદૃષ્ટિ કરતા વિચારતા હતા. 

આથી દીકરીને બચાવવા અચ્યુતવર્ધન ઠાકરે એવું કહ્યું કે તે મારી દીકરી છે. તે સમયની પરંપરા એવી હતી કે સાથે બેસીને જમતા નહોતા. આથી કસોટી કરવા મુસ્લિમ સેનાપતિએ કહ્યું કે ‘દીકરી હોય તો એક જ ભાણે એટલે કે એક જ થાળીમાં જમો તો માનું...’ અસાઇત ઠાકરે તેમ કર્યું. આના લીધે ગંગા તો બચી ગઈ પરંતુ જડ બ્રાહ્મણો ઉકળી ઉઠ્યા અને અસાઇત ઠાકરને નાત બહાર કરી દીધા.

અસાઇત ઠાકર પોતાના ત્રણ પુત્રો સાથે ઊંઝા આવી વસ્યા. હેમાળા પટેલે તેમને રહેવા સહિત મૂળભૂત સગવડ આપી. તે પછી તેમણે સામાજિક દૂષણો દૂર કરવા માટે ‘ભવાઈ’ની શરૂઆત કરી. ભવાઈ એટલે એક જાતનું સંગીતમય નાટક, પરંતુ તેમાં કોઈ મંચ નથી હોતો.

તે સ્ટેજ પર પડદાના બદલે લોકો વચ્ચે સંગીતના કેટલાંક સુલભ વાદ્યો- ભૂંગળ, કાંસીજોડા,  પખાવજ અને હાર્મોનિયમ સાથે ભજવાય છે.

તે સમયે મુસ્લિમ શાસકોના કારણે દીકરીઓ નાટકમાં ભાગ લે તેવી સ્થિતિ નહોતી. આથી પુરુષો જ સ્ત્રી પાત્રો પણ ભજવતાં. અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ પુરુષો સ્ત્રી વેશ ધારણ કરીને ગરબા ગાય છે તેની પાછળ મૂળ ભાવના એ પણ હોઈ શકે કે નવ દિવસ પુરુષ સ્ત્રી બનીને જોઈ જુએ તો ખબર પડે કે સ્ત્રી બનવું સરળ છે કે નહીં. બીજું કે સ્ત્રી બનીને પુરુષત્વના અભિમાન પર પણ વિરામ મુકાય છે. ત્રીજું કે અત્યારે જેન્ડર ન્યૂટ્રાલિટીની વાત થાય છે તે પણ આવી ગઈ. ચોથું, માતાજીની આરાધના કરવી હોય તો માતાજી જેવા બનવું પડે તેવી ભાવના પણ હોઈ શકે.

અસાઇત ઠાકરે અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ પર સમગ્ર વર્ષ ચાલે તેમ એટલે કે 360 વેશ લખ્યા. ભવાઈની કોઈ ટિકિટ નથી હોતી. તેમાં જે રોકડ કે અન્ય દાન મળે તેનાથી ભવાઈ કરતા કલાકારોનો જીવનનિર્વાહ ચલાવાતો. કાળક્રમે ભવાઈમાં અશ્લીલતા ઘૂસી પછી તેના પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું, તે તો ઠીક, પણ ભવાઈ એટલે રંગલા-રંગલીનો ખેલ અને બેસૂરા અવાજે તા થૈયા તા થૈયા રમૂજ એ જ ભવાઈ તેવું સમીકરણ બની ગયું તેમ પૂર્વ માહિતી અધિકારી અભયભાઈ રાવલનું કહેવું છે.

અભયભાઈ દર નવરાત્રિએ અચૂક તેમના પૂર્વજોની ભૂમિ લીલાપુર અચૂક જાય છે. લીલાપુર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું ગામ છે. અહીં છેલ્લાં 125 વર્ષથી સાતમ, આઠમ અને નોમ (નવમી)એ જાતર ભવાઈની પરંપરા ચાલે છે જેમાં અભયભાઈ પણ ભાગ લે છે.

આ ભવાઈમાં ગણપતિ, બ્રાહ્મણ, ભોયરાજ, મુંડા, જુઠ્ઠણ, મિંયાબીબી, જસમા, બહુચરાજી માતા ઇત્યાદિના વેશ ભજવવામાં આવે છે. મુંડામાં ફકીરો ગામવાળાઓને ભોળવી તેમની સોનાની ઈંટો ચોરી લેતા હતા અને એક કંસારો તેમની સામે પડીને આ ઈંટો પાછી મેળવે છે તેની વાત આવે છે. અને જેમ તાજિયામાં થાય છે તેમ આ વેશમાં રીતસર ગરમ સળિયા એક ગાલમાંથી નાખી બીજા ગાલમાંથી બહાર કાઢવામાં આવે છે. અને છતાંય કંઈ થતું નથી.

દંતકથા એવી પણ છે કે એક મુસ્લિમ મેલી વિદ્યા કરીને આ બધું બંધ કરાવવા ગયો, પરંતુ માતાજીની પ્રતાપે તે પકડાઈ ગયો. તેણે ક્ષમા માગી લીધી. બીજા વર્ષથી તે પણ સ્વાંગ કરવા લાગ્યો.

બીજી દંતકથા એવી છે કે એક વાર લખતરના રાજકુટુંબમાં અવસાન થતાં નવરાત્રિની ઉજવણી ન થાય તેવી વાત હતી, પરંતુ આ તો માતાજીની આરાધના હતી તેથી બ્રાહ્મણોએ નવરાત્રિ પરંપરાગત રીતે ઉજવવાનું નક્કી કર્યું. આ તરફ ચા કરતાં કીટલી ગરમ તેમ રાજતંત્રએ મનાઈ કરી. આથી બ્રાહ્મણો રાજમહેલ સામે ઉપવાસ પર બેઠા. સાતમીએ ભવાઈનો આરંભ થાય, પરંતુ રાજસત્તા ઝૂકતી નહોતી. નરેશ ત્યાં હતા નહીં.

તે થાન હતા. પરમ આદ્ય શક્તિનો આદેશ થયો હોય તેમ નરેશ ધાર્યા કરતાં વહેલાં લખતર આવી પહોંચ્યા અને તેમને સમગ્ર ઘટનાક્રમ જાણીને દુ:ખ થયું. તેમણે ભૂદેવોની ક્ષમા માગી પરંપરાગત રીતે નવરાત્રિ કરવા અનુમતિ આપી અને પારણા કરાવ્યા.

લીલાપુરમાં ભવાઈનું સત અને માતાજીની આરાધના હજુ જળવાઈ છે તે ગુજરાતમાં પાર્ટી પ્લોટમાં બોલિવૂડના દારૂ અને અન્ય રીતે અશ્લીલ ગીતો પર કઢંગાં કપડાંમાં થતા અંગઉછાળ ડાન્સ (નૃત્ય નહીં)ના સમયમાં આ સુખદ વાત છે.