Wed Oct 14 2026

Logo

ફેશનઃ ઑલ ટાઇમ ફેવરિટ બનારસી!

2026-09-17 08:56:21
Author: Khushbu Mulani Thakkar
ફેશનઃ ઑલ ટાઇમ ફેવરિટ બનારસી!

ખૂશ્બુ મુલાણી ઠક્કર

બનારસી ફૅબ્રિક એ ઉત્તર પ્રદેશના વારાણસી (બનારસ) શહેરમાં બનતું ખૂબ જ પ્રખ્યાત અને કીમતી કાપડ છે. આ ફૅબ્રિક ખાસ કરીને સિલ્કમાંથી બનાવવામાં આવે છે. બનારસી ફૅબ્રિકમાં ખાસ કરીને ફ્લોરલ પ્રિન્ટ હોય છે. તેને સિલ્વર અને ગોલ્ડન તાતણાથી હાઇલાઇટ કરવામા આવે છે. આ ફૅબ્રિક પ્યૉર સિલ્કમાંથી બનેલું હોવાથી ખૂબ જ જાડું અને મોંઘું પણ હોય છે. આ ફૅબ્રિકની સાડી કે ડે્રસ પહેરવાથી એક રૉયલ લૂક આવે છે. જો તમારે બનારસી ફૅબ્રિકની સાડી ન પહેરવી હોય તો બીજી ઘણી રીતે બનારસી ફૅબ્રિકનો ઉપયોગ કરી શકાય. તો ચાલો જાણીએ કઈ રીતે બનારસી ફૅબ્રિકનો ઉપયોગ કરી રૉયલ લૂક આપી શકાય. 

બનારસી બ્લાઉઝ: બનારસી બ્લાઉઝ સાથે પ્લેન સાડી ખૂબ સુંદર લાગે છે. બનારસી બ્લાઉઝની પૅટર્ન તમે તમારી બૉડી સ્ટાઇલ મુજબ કરાવી શકો. જો તમારું શરીર સુડોળ હોય તો તમે પ્રિન્સેસ કટનું બ્લાઉઝ કરાવી શકો. બનારસી બ્લાઉઝ સાથે ખાસ કરીને શીફોનની કે જોર્જેટની સાડી પહેરવી જેથી કરી સાડીની ટ્રાન્સપરન્સીમાં બ્લાઉઝ દેખાય શકે. બનારસી બ્લાઉઝમાં એલ્બો સ્લીવ્સ તો સારી લાગે જ છે. પણ સુડોળ શરીરવાળા  ફૂલ સ્લીવ્સ પણ કરાવી શકે. જો તમારું શરીર ભરેલું હોય તો તમે થોડું લાંબું બ્લાઉઝ કરાવી શકો અને બ્લાઉઝની સાઇડ પર કટ રખાવવી જેથી બ્લાઉઝ પહેર્યા પછી વળી ન શકે. ઘણી મહિલાઓને કટોરીવાળા બ્લાઉઝ જ પહેરવાં  ગમે છે. તો આ બ્લાઉઝ સાથે ચંદેરી કે સિલ્કની કોઈ સાડી પહેરી શકો.   

બનારસી બ્લાઉઝમાં કમરથી નીચે 4 ઇંચ સુધી બ્લાઉઝની લેન્થ રાખી શકાય. સિમ્પલ સ્વિટહાર્ટ નેક, થ્રી ફોર્થ કે ફૂલ સ્લીવ્સ અને આ પૅટર્ન સાથે સાડી ગુજરાતી સ્ટાઇલમાં પહેરવી અને આગળથી સાડીના છેડા વડે બ્લાઉઝને કવર કરવું નહીં. જેથી આખું બ્લાઉઝ દેખાય અને કંઈક અલગ લૂક પણ આવે. જો તમને કંઈક અલગ પહેરવું હોય તો તમે શર્ટ સ્ટાઇલનું બ્લાઉઝ પણ કરાવી શકો. આ બ્લાઉઝની લેન્થ મોટાભાગે ગોઠણ કે તેની ઉપર રાખવામાં આવે છે. બનારસી બ્લાઉઝની પૅટર્ન ખાસ કરીને સિમ્પલ હોય છે કારણ કે બનારસી ફૅબ્રિક પહેર્યા પછી ખૂબ જ સ્માર્ટ લૂક આપે છે અને તે ફૅબ્રિકની ખૂબી છે.

બનારસી શ્રગ કે જૅકેટ: જો તમે શ્રગ પહેરવા માગતા  હોવ તો તેની લંબાઈ ઘણી ટૂંકી હોય છે અને જો જૅકેટ તરીકે પહેરવા માગતા હોવ તો જૅકેટની લેન્થ ટૂંકી થી લઈને લાંબી સુધી હોય છે. તમે તમારા બૉડી ટાઇપ પ્રમાણે જૅકેટ કે શ્રગની પસંદગી કરી શકો. જેમકે તમે લાંબા પાતળા હોવ તો તમે શ્રગ પહેરી શકો. જો ઑરેન્જ કલરની સાડી હોય તો તો તેની સાથે રાણી કલરનું શ્રગ સારું લાગી શકે. 

જો તમારું શરીર ભરેલું હોય તો ખાસ કરીને સાડી સાથે જૅકેટ પહેરવું જેથી કરી જો તમારી કમર કે પેટનો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે. જૅકેટ પહેરવાથી ઓવરઑલ થોડોક વધારે હેવી લૂક આવશે. વધારે હેવી દેખાવાનું ટાળવા માટે તમે સ્લીવલેસ જૅકેટ પહેરી શકો. સાડી અને જૅકેટ કે પછી સાડી અને શ્રગ તમે કૉન્ટ્રાસ્ટ કલરમાં રાખી શકો. બનારસી ફૅબ્રિકમાંથી બનાવેલ શ્રગ કે પછી જૅકેટ તમે બીજા કોઈ ગાર્મેન્ટ સાથે પણ મિક્સ એન્ડ મૅચ કરી પહેરી શકો.  

બનારસી ડ્રેસ: જો તમારે બનારસીમાં સાડી, કુરતા, શ્રગ કે જૅકેટ ન પહેરવું હોય તો તમે કંઈક હટકે લૂક આપવા માટે બનારસીનો ડ્રેસ પહેરી શકો. એટલે કે વન પીસ બનારસી ફૅબ્રિકમાં. જો તમે આ સ્ટાઇલને કૅરી કરી શકો તો જ આ બનારસી ફૅબ્રિકનો ડ્રેસ ટ્રાય કર જો નહીં તો તમારા પૈસા, સિલાઈ અને ફૅબ્રિક બંને નકામાં જશે. જો તમારું શરીર ભરેલું હોય તો તમે એ લિયન કે સ્ટ્રેટ ડ્રેસ પહેરી શકો. જો તમારું શરીર સુડોળ હોય તા, તમે કમર પર યૉક આપીને નીચે ફલેર વાળો ડ્રેસ બનાવી શકાય. અથવા તો બનારસી ફૅબ્રિકનો ઘાઘરો પણ બનાવી શકાય. આ ઘાઘરા સાથે લૉન્ગ કે શૉર્ટ ટૉપ તમારી બૉડી ટાઇપ અને હાઇટ અનુસાર પહેરી શકો.