નવી દિલ્હીઃ આવતા વર્ષથી દેશમાં પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ થવાની છે. હાલમાં બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને ટ્રેકનું કામ થયા બાદ હવે સ્ટેશન તૈયાર કરવા માટે કામ ચાલી રહ્યું છે. ₹2 લાખ કરોડના ખર્ચે તૈયાર થનારા બુલેટટ્રેન કોરિડોરમાં B28 સિરીઝની પહેલી ટ્રેન દોડવાની છે. આ ટ્રેન મૂળ જાપાનની છે. હવે વાવડ એવા મળી રહ્યા છે કે, ભારત સ્વદેશમાં બુલેટટ્રેનનું નિર્માણ કરીને તેને દોડાવવા માટેની તૈયારી કરી રહ્યો છે.
ભારતમાં થશે બુલેટટ્રેનનું નિર્માણ
સ્વદેશી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર કામ શરૂ થાય એવા સંકેત મળ્યા છે. રેલવે મંત્રાલયની કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવેલા એક પ્રસ્તાવ અનુસાર ભારત વર્ષ 2030 સુધીમાં એક હાઈસ્પીડ ટ્રેન બનાવવા માટે તૈયાર છે. B35 ટ્રેનની સ્પીડ 350 કિમી/કલાક રહેશે. જે જાપાનની E10 સિરીઝને ટક્કર આપી શકે છે. જાપાન E5 સિરીઝની ટ્રેનનું નિર્માણ બંધ કરવાના મૂડમાં છે. ધીમે ધીમે તેનું ઉત્પાદન બંધ કરી રહ્યો છે. એના બદલે E10 ટ્રેનનું ઉત્પાદન શરૂ કરવાી તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં આ ટ્રેનનું નિર્માણ કાર્ય શરૂ થઈ જવાનું છે. જાપાન પોતાની ટ્રેન પરિવહન ટેક્નોલોજીમાં ફેરફાર કરે એ પહેલા ભારતે આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સ્વદેશી બુલેટ ટ્રેન દોડાવવા માટે કેટલાક પાયાના મુદ્દા પર કામ કરી રહ્યો છે. B28 હાઈસ્પીડ ટ્રેનનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત માત્ર ટ્રેનનું ઉત્પાદન જ નહીં કરે પણ ટ્રેનને કંટ્રોલ કરતી એક સિસ્ટમ પણ ડેવલપ કરે છે. આ માટે ભારતની પોતાની એક કંટ્રોલિંગ સિસ્ટમ તૈયાર થઈ જશે.
કોરિડોર પર પહેલા B28 ટ્રેન જ દોડશે.
મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં બુલેટટ્રેન કોરિડોર પર પહેલા B28 ટ્રેન જ દોડશે. જેની મહત્તમ સ્પીડ 280 કિમી/કલાક છે. જ્યારે ઑપરેશનલ સ્પીડ 249 કિમી/કલાક રહેશે. BEML ને 32 ટ્રેનસેટના ઉત્પાદન માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ભારતમાં બનેલી ટ્રેન ભારતના બુલેટ ટ્રેન ટ્રેક પર દોડશે. ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2015માં શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ તેના નિર્ધારિત બજેટ કરતાં બમણા ખર્ચ સાથે ચાલી રહ્યો છે. નિર્ધારિત સમયપત્રક કરતાં ઘણો પાછળ છે. જમીન સંપાદનથી લઈને ટર્બાઇન મશીનરીની મોડી ડિલિવરી સુધીની વિવિધ સમસ્યાઓને કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.