ન્યૂયોર્કઃ 11 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. આ મુલાકાતને વૈશ્વિક સ્તર પર પોલિટિકલ દ્રષ્ટિકોણ જોવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અમેરિકા પહોંચતાની સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. જોઈન્ટ બેઝ એન્ડ્રુયુઝ પર હાઈ પ્રોફાઈલ સ્વાગત માટે જ્યારે જિનપિંગનું વિમાન પાસે સ્વાગત કરાયું એ સમયે ઉપરથી પસાર થતા B2 બોંબર અને F22 રેપ્ટર વિમાનનો અવાજ પડઘાઈ રહ્યો હતો.
ટ્રમ્પના ચહેરાના હાવભાવ બદલાયા
આ દરમિયાન જિનપિંગ બિલકુલ શાંત હતા અને ટ્રમ્પના ચહેરા પર સ્ટ્રેસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. શાનદાર ફ્લાઈપાસ્ટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ માટે ખાસ પ્રકારના સ્વાગત માટે તૈયારીઓ કરી હતી. મિલિટરી શાન તરીકે આને જોવામાં આવે છે. અગાઉ, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અલાસ્કાની મુલાકાત લીધી હતી, ત્યારે ટ્રમ્પે આવી જ રીતે B-2 સ્ટેલ્થ બોમ્બર્સ દ્વારા ફ્લાયપાસ્ટનો આદેશ આપ્યો હતો. B-2 બોમ્બર અને F-22 રેપ્ટર એ હાલમાં યુએસ વાયુસેનાના કાફલામાં સામેલ સૌથી અત્યાધુનિક વિમાનોમાંના એક છે. ગયા જૂનમાં ઈરાનના પરમાણુ મથકો પર કરવામાં આવેલા 'ઓપરેશન મિડનાઈટ હેમર' દરમિયાન ભારે 'બંકર-બસ્ટર' બોમ્બ ફેંકવા માટે B-2 વિમાને 18 કલાકનું મિશન પૂરું કર્યું હતું. આ દરમિયાન, ચીનના વિશ્લેષકોનું માનવું છે કે બંને પક્ષો આ સમિટનો ઉપયોગ તેમની વચ્ચેની હરીફાઈને સંઘર્ષમાં ફેરવાતી અટકાવીને તેને નિયંત્રિત અને સ્થિર કરવા માટે કરશે. 21મી તારીખે વ્હાઇટ હાઉસે આ સમિટનું સમયપત્રક જાહેર કર્યું હતું, જે ત્રણ દિવસ અને બે રાત સુધી ચાલશે.
નિષ્ણાંતોનો મત
કેટલાક નિષ્ણાંતો માને છે કે શી ટ્રમ્પ પર તાઈવાનને શસ્ત્રોનું વેચાણ અટકાવવા માટે દબાણ કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર શી 1982ના યુએસ-ચીન સંયુક્ત નિવેદન (Joint Communiqué)નો હવાલો આપીને તાઈવાનને અમેરિકા દ્વારા કરવામાં આવતા શસ્ત્રોના વેચાણને બંધ કરવાની માંગ કરી શકે છે. દલીલ એવી છે કે, વોશિંગ્ટને શસ્ત્રોના વેચાણની લાંબા ગાળાની નીતિ અપનાવવાને બદલે - તે સમયે કરવામાં આવેલા વચનો મુજબ - તાઈવાનને શસ્ત્રોનું વેચાણ ધીમે ધીમે ઘટાડવું જોઈએ. તેના બદલામાં, એવી અપેક્ષા છે કે ચીન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ઈરાન પર દબાણ લાવવામાં સહકાર આપવાની તૈયારી દર્શાવશે. તાઈવાનની 'મેઈનલેન્ડ અફેર્સ કાઉન્સિલ'ના ડેપ્યુટી મિનિસ્ટર શેન યુ-ચુંગે જણાવ્યું હતું કે શિખર સંમેલન દરમિયાન શી તાઈવાન અને ઈન્ડો-પેસિફિકના મુદ્દાઓ પર ટ્રમ્પ પર દબાણ લાવશે. એવી દલીલ કરશે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં યથાસ્થિતિ (status quo)ને ડહોળનારા અસલી સૂત્રધાર જાપાન અને તાઈવાન છે.
ક્રૂડ ઓઈલનો મુદ્દો મુખ્ય બની શકે
દરમિયાન, વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલના ભાવમાં 4.5%નો ઘટાડો થયો અને તે $96.78 પ્રતિ બેરલ પર બંધ થયું. આ ઘટાડા પાછળ એવી આશા હતી કે 22મી તારીખે ન્યૂયોર્કમાં શરૂ થનારી સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભા યુએસ-ઈરાન અને રશિયા-યુક્રેન સંઘર્ષોના રાજદ્વારી ઉકેલનો માર્ગ મોકળો કરી શકે છે. જોકે ક્રૂડ ઓઈલથી વિપરીત, રિફાઈન્ડ ઉત્પાદનોનો પુરવઠો મર્યાદિત રહ્યો છે. અમેરિકામાં ડીઝલના ભાવ $6.51 પ્રતિ ગેલનની વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. આ સ્થિતિને કારણે ટ્રમ્પે 20મી તારીખે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેની ફોન વાતચીત દરમિયાન આ બાબતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમને રશિયાની રિફાઈનિંગ સુવિધાઓ પરના હુમલા અટકાવવા માટે આગ્રહ કર્યો હતો.