Tue Sep 15 2026

Logo

અયોધ્યામાં ટુરિસ્ટ સર્કિટ તૈયાર, રામ મંદિર સિવાયના દેવાલયમાં દર્શનનો લ્હાવો

2026-04-05 20:30:00
Author: Mumbai Samachar Team
અયોધ્યામાં ટુરિસ્ટ સર્કિટ તૈયાર, રામ મંદિર સિવાયના દેવાલયમાં દર્શનનો લ્હાવો

અયોધ્યાઃ આ વર્ષના અંત સુધીમાં અયોધ્યામાં જઈને રામ મંદિરે દર્શન કરવાનો પ્લાન હોય તો આવા ભાવિકો માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે. અયોધ્યામાં ભાવિકો માટે એક ટુરિસ્ટ સર્કિટ તૈયાર થઈ ચૂકી છે. આ અંગે સમગ્ર પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. અયોધ્યામાં રામ મંદિર સિવાય પણ અન્ય જાણીતા મંદિરોના દર્શન થાય એ માટે ખાસ આયોજન થઈ રહ્યું છે. 

અયોધ્યામાં અન્ય મંદિર પણ મહત્ત્વના
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે ભાવિકો માટે અન્ય મંદિરના દર્શનને લઈ એક સરસ યોજના તૈયાર કરી છે, ભાવિકો માટે હવે દર્શનનો દાયરો માત્ર રામ મંદિર પૂરતો મર્યાદિત નહીં રહે. પ્રભુ શ્રી રામ સહિત અન્ય નાના મંદિરોમાં પણ શિશ નમાવવાનો મોકો મળી રહેશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ અંગે એક મોટો સંકેત આપી દીધો છે. મંદિર સંચાલન સાથે તથા ટ્રસ્ટ સાથે જોડાયેલા અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, અયોધ્યા આવતા ભાવિકો હવે રામ મંદિર સિવાય પણ ઘણા જાણીતા મંદિરના દર્શન કરી શકશે. સપ્તઋષિ મંદિર, શેષાવતાર મંદિર,  કુબેર ટીલા, હનુમાન મંદિર માટે દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ટુરિસ્ટ સર્કિટ તૈયાર થશે
આ માટે જરૂરી એવી તૈયારીઓને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકો આ તમામ મંદિરે દર્શન કરી શકે એવી યોજના બનાવાઈ છે. આ યોજના અયોધ્યામાં ટૂંક જ સમયમાં શરૂ થશે.ટ્રસ્ટ તરફથી આ વિષય પર સત્તાવાર જાહેરાત થશે જેનો સીધો લાભ અયોધ્યા આવતા ભાવિકોને થશે. એટલું જ નહીં સરયુ ઘાટ ઉપર પણ દર્શનાર્થીઓ સરળતાથી પહોંચી શકશે. હાલમાં ઉનાળો સીઝન અને ગરમીને ધ્યાને લેતા કેટલીક પાયાની સુવિધાઓ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. સુવિધાઓ જે અત્યારે છે એ વધારે સારી બને એ માટે કામ થઈ રહ્યું છે. 

અન્ય મંદિરના દર્શન કરવા સરળ થશે
ખાસ કરીને ભાવિકોને કોઈ પ્રકારે હેરાન પરેશાન ન થવું પડે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આટલી વિગત પરથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, આવનારા દિવસોમાં જે શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિરે દર્શન કરવા જશે એમને એક આસ્થાભરી યાત્રા સાથે ધાર્મિક ઝાંખીનો લાભ મળવાનો છે, જેમાં રામ પ્રભુ સિવાય અન્ય મંદિરમાં બિરાજમાન દેવી-દેવતાના દર્શન થશે. આ મંદિરો અત્યાર સુધી ઉત્તર પ્રદેશના લોકો કે સ્થાનિકો પૂરતા મર્યાદિત હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ એ પછી આ મંદિરોના એક ખાસ ભાવિકોને થયા. હવે અયોધ્યા આવતા તમામ ભાવિકોને આ દર્શનનો પૂરતો લ્હાવો મળી રહેશે. 

ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ થયા બાદ હવે ટ્રસ્ટની પ્રાથમિકતા શ્રદ્ધાળુઓને કોઈ રીતે પરેશાની ન થાય એના પર છે. ખાસ કરીને દૂરથી આવતા ભાવિકોને સરળતાથી દર્શનનો લ્હાવો મળે એ માટે ખાસ યોજના તૈયાર થઈ રહી છે. દર્શનની સાથે અયોધ્યાની ભવ્યતા અંગે ભાવિકો જાણે એના પર પણ ફોક્સ કરાઈ રહ્યું છે. એકવાર અયોધ્યાની યાત્રા કર્યા બાદ આજીવન એમને આ યાત્રા યાદગાર રહે એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે.