નાગોયાઃ જાપાનમાં તાજેતરમાં આયોજિત 20મી એશિયન ગેમ્સમાં ભારતના સ્પર્ધકો 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રૉન્ઝ સહિત કુલ 85 ચંદ્રક જીતી શક્યા હતા, પરંતુ હવે જાપાન (Japan)માં શરૂ થયેલી દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની એશિયન પૅરા (Para) ગેમ્સમાં ભારતીય સ્પર્ધકોનો લક્ષ્યાંક 100 મેડલ જીતવાનો છે.
એશિયન પૅરા ગેમ્સ સત્તાવાર રીતે રવિવારે શરૂ થઈ અને પીટીઆઇના અહેવાલ મુજબ ભારતના પૅરા ઍથ્લેટિક્સના હેડ-કોચ સત્યનારાયણે ભારતીય ઍથ્લીટોની પૂર્વતૈયારીઓ તથા સંકલ્પશક્તિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
2022માં ચીનમાં આયોજિત રેગ્યુલર એશિયન ગેમ્સમાં ભારતીય સ્પર્ધકો કુલ 106 ચંદ્રક જીત્યા હતા અને દિવ્યાંગ સ્પર્ધકોએ 111 ચંદ્રક મેળવ્યા હતા.
આ વખતની એશિયન પૅરા ગેમ્સ માટે ભારત 168 સ્પર્ધક મોકલી રહ્યું છે. એમાંના જાણીતા ઍથ્લીટોમાં પ્રમોદ ભગત (બૅડમિન્ટન), નિશાદ કુમાર (હાઈ જમ્પ), અવની લેખરા (શૂટિંગ), શીતલ દેવી (તીરંદાજી) અને સિમરન શર્મા (દોડ)નો સમાવેશ છે.