Wed Sep 16 2026

Logo

સાત સમંદર પારઃ અશોક અમૃતરાજ આ માણસ તો ચર્ચાને લાયક છે...

2026-09-02 07:52:35
Author: Ravi Nayak
સાત સમંદર પારઃ અશોક અમૃતરાજ આ માણસ તો ચર્ચાને લાયક છે...

રવિ નાયક


તમે હોલિવૂડની ફિલ્મો જુઓ છોને? તમને હોલિવૂડની કેવી ફિલ્મો ગમે? મોટા ભાગના ભારતીય દર્શકો એક જમાનામાં એક્શનપેક્ડ ફિલ્મોના દીવાના હતા અને એંસી-નેવુંના દાયકાનો ભારતીય દર્શકોનો બહુ મોટો વર્ગ એવો ય હતો, જે ફોરેન ફિલ્મોમાં જોવા મળતા ‘અમુક’ પ્રકારના દૃશ્યો માટે જ થિયેટર સુધી લાંબો થતો. 


આજે મોબાઈલની એક ક્લિક પર તમામ પ્રકારનું મનોરંજન બહુ આસાનીથી ઉપલબ્ધ છે ત્યારે એ સમયકાળના દર્શકોની ઉત્કંઠા અને બેચેની કદાચ અતિશયોક્તિપૂર્ણ લાગી શકે, પણ ત્યારની વાસ્તવિકતા એ જ હતી. કદાચ એટલે જ એક ભારતીય યુવાને માત્ર ભારતના જ નહિ, પણ અમેરિકાના દર્શકોની ય બરાબર નાડ પકડી.


1960 પહેલા ભારતીય પરિવારોમાં જે પેઢી જન્મી, એના જીવનનું મુખ્ય ધ્યેય જીવનમાં સેટ થઇ જવાનું રહેતું. પોતાની આગલી પેઢીને જે તકલીફો પડી એનાથી ઓછી તકલીફ વેઠવી પડે એટલા માત્રથી જ જીવન સફળ! જ્યાં લોકો નોકરી-ધંધામાં ય જોખમ લેવા સામે કતરાતા હોય એવા સમયે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો વિચાર જ બહુ હિમ્મત માગી લે. 


એવા વાતાવરણમાં ય ચેન્નાઈ (તે વખતનું મદ્રાસ) શહેરના એક પરિવારમાં એક-બે નહિ પણ ત્રણ દીકરા એવા પાક્યા જેમણે ટેનિસ જેવી રમતને અપનાવી. આજની તારીખે ય જો સંતાનને ટેનિસની રમતમાં રસ લેતું કરવું હોય તો ભારતના મોટા ભાગનાં શહેરોમાં એના માટેની પૂરતી વ્યવસ્થા નથી. તો 1960-70ના દશકમાં કેવી પરિસ્થિતિ હશે?


પણ અમૃતરાજ પરિવાર કદાચ જુદી માટીમાંથી ઘડાયેલો. આ પરિવારે આનંદ, વિજય અને અશોક નામના ત્રણ દીકરાઓને ટેનિસ રમવાની મંજૂરી આપી. એ પૈકી વિજય અમૃતરાજે તો ટેનિસના પ્રોફેશનલ ખેલાડી તરીકે સારું એવું કાઠું કાઢ્યું. સારી કારકિર્દીમાંથી નિવૃત્ત થયા બાદ વિજય અમૃતરાજ સ્પોર્ટ્સ કોમેન્ટેટર તરીકે પણ પ્રવૃત્ત રહ્યા. 


આનંદ અમૃતરાજે બિઝનેસમાં કારકિર્દી બનાવવાનું પસંદ કર્યું. જ્યારે અશોકના મનમાં જુદો જ સીન ચાલતો હતો. એણે ટેનિસ રમવાની સાથે સાથે ફિલ્મો પણ બનાવવી હતી, પણ એના માટે જોઈએ ખૂબ પૈસા! એક ટેનિસ ખેલાડીને ફિલ્મ બનાવવાના પૈસા આપે કોણ? એ જાણવાની શરૂઆત ટેનિસથી જ કરવી પડે.


અશોક ટેનિસના બહુ સારા ખેલાડી હતા. 1974ની વિમ્બલ્ડનમાં તો તેઓ ફાઈનલ સુધી પહોંચ્યા અને રનર-અપ ખેલાડી તરીકે રહીને જબરું કાઠું કાઢ્યું. એને કારણે અમેરિકા લોસ એન્જેલિસ સ્ટ્રીગ્સ તરફથી રમવાનું તેડું મળ્યું, અને અશોક અમૃતરાજ પહોંચ્યા અમેરિકા.


લોસ એન્જેલિસ એટલે હોલિવૂડની જોડિયા બહેન. અહીં વસવાટ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા કલાકાર-કસબીઓનો પરિચય થતો ગયો. યુવાન ખેલાડી તરીકે બધા અશોકને માન આપતા, પણ અશોક પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વધુને વધુ આકર્ષાતા ગયા. બાળપણથી જ હોલિવૂડની ફિલ્મોનું ઘેલું હતું અને હવે પોતાને જ ફિલ્મ મેકર બનવાની ઘેલછા વળગી. શરૂઆતમાં તો કોઈએ દાદ ન આપી. પણ પછી જેમતેમ કરતા મેળ પડી ગયો.


અશોક અમૃતરાજને એક્ટર કે ડિરેક્ટર બનવામાં નહિ પણ પ્રોડ્યુસર બનવામાં રસ હતો. શરૂઆતમાં નાના બજેટની ફિલ્મો પ્રોડ્યુસ કરી શકાય એટલું જ બજેટ ભેગું થયું. એટલે 1984માં ‘ફ્લેશબર્ન ’નામની ઓછા બજેટની ફિલ્મ ઓછા જાણીતા કલાકારોને લઈને બનાવી. ફિલ્મ ઠીકઠાક રહી. નેવુંના એ દાયકામાં અમેરિકન શહેરોમાં HBO જેવી ચેનલ્સના કેબલ નેટવર્ક્સ ચાલતા. આ નેટવર્ક્સ લો-બજેટની ફિલ્મો દેખાડતા. આ ફિલ્મો મસાલેદાર રહેતી, જેથી આખા દિવસના કામ પછી મોડી રાત્રે નવરા પડેલા દર્શકોને મનોરંજન મળે. 


ટૂંકમાં કહીએ તો આ એવી બી-ગ્રેડ ફિલ્મો હતી જેમાં બહુ મોટા મોટા આદર્શો પ્રસ્થાપિત કરવાને બદલે એક્શનની સાથે ક્યારેક કોમેડી અને ક્યારેક થોડા ગરમાગરમ દૃશ્યો દેખાડીને દર્શકોનું મનોરંજન કરવામાં આવતું. અશોક અમૃતરાજે આ નેટવર્ક્સ માટે ક્રાઈમ થ્રિલરથી માંડીને ઈરોટિક ગણાય એવી ફિલ્મો બનાવવા માંડી. અશોકને કંઈ સ્ટીવન સ્પીલબર્ગ કે ક્રિસ્ટોફર નોલાન બનવાના અભરખા નહોતા. એણે તો બસ માર્કેટમાં ટકી રહેવાનું હતું.


અંગત જીવન અને કારકિર્દી ઉપર ‘ડબલ ઇમ્પેક્ટ’:


એવામાં 1991માં નસીબે જબરી પલટી મારી. વાન ડેમ સાથેની ‘ડબલ ઇમ્પેક્ટ’ ફિલ્મ રિલીઝ થઇ અને તહેલકો મચી ગયો. વાન ડેમ અને અશોક બંને માટે આ ફિલ્મ મોટો માઈલ સ્ટોન સાબિત થઇ. આ ફિલ્મે વિશ્વભરમાં 100 મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી. વળી એ જ વર્ષે અશોકનાં લગ્ન પણ થયાં. કમાણી અને અંગત જીવન, એમ બંને મોરચે ફિલ્મનો ડબલ ઇમ્પેક્ટ બરાબર ફળ્યો.


ત્યાર પછી તો અશોક અમૃતરાજે સાન્ડ્રા બુલોક, નિકોલસ કેજ, એન્જેલિના જોલી, રોબર્ટ ડી નિરો, જેનિફર એનિસ્ટન અને ભારતમાં ખૂબ લોકપ્રિય એવા ડ્વાઇન જ્હોન્સન ઉર્ફે ‘ધ રોક’ જેવા હોલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે ય કામ કર્યું. 1999માં એણે ‘હાઈડપાર્ક એન્ટરટેઈનમેન્ટ’ નામે પોતાની ફિલ્મ પ્રોડક્શન અને ફાયનાન્સ સાથે સંકળાયેલી કંપની સ્થાપી. આજની તારીખે ય અશોક અમૃતરાજ ‘પેરામાઉન્ટ પિક્ચર્સ’  અને  ‘વોર્નર બ્રધર્સ’  સરીખા હોલિવૂડના મોટા સ્ટુડિયોઝ સાથે કેટલાક પ્રોજેકટ્સ કરી રહ્યા છે.


આમ ખંત, ધીરજ અને વિચારિક સ્પષ્ટતા અશોક અમૃતરાજને ચેન્નાઈના ઘરથી ટેનિસ કોર્ટ સુધી અને કોર્ટથી કેમેરા સુધી લઇ ગઈ. 2015માં યુનિવર્સિટી ઓફ લંડન તરફથી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થઇ છે. ફ્રાન્સની સરકારે પણ તેમનું સન્માન કર્યું છે. યુનાઈટેડ નેશન્સમાં તે ગુડવિલ એમ્બેસેડર તરીકે રહી ચૂક્યા છે. કદાચ અશોક અમૃતરાજના પોતાના જ જીવન પરથી એક વેબ સિરીઝ બની શકે એમ છે. તેમ છતાં આઘાતજનક વાત એ છે કે આટલી રસપ્રદ સફર ખેડનારા અશોક અમૃતરાજ વિશે ભારતીય મીડિયામાં ઝાઝી વાત નથી થઇ.