Sat Oct 10 2026

Logo

`પત્નીને પૂછવું પડશે, નહીં તો મારે છૂટાછેડા લેવાનો વખત આવે...' આવું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કેમ કહ્યું?

2026-09-08 17:56:20
Author: Ajay Motiwala
`પત્નીને પૂછવું પડશે, નહીં તો મારે છૂટાછેડા લેવાનો વખત આવે...' આવું ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે કેમ કહ્યું?

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં 2022ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને એના ડેબ્યૂના જ વર્ષમાં ટાઇટલ અપાવનાર અને 2023ના બીજા વર્ષમાં રનર-અપ બનાવનાર ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને જીટીના હેડ-કોચ આશિષ નેહરા (NEHRA)ને કેટલાક ચાહકો માત્ર આઇપીએલ સુધી જ મર્યાદિત રહે એવા કોચ તરીકે જોવા નથી માગતા અને એટલે જ તેને તાજેતરમાં એક ઇવેન્ટમાં તે ભારતીય ટીમનો કોચ બની શકે કે નહીં? એવી ચર્ચામાં પૂછવામાં આવતાં (થોડી રમૂજ ફેલાવતાં) સ્પષ્ટતા કરી હતી કે `આનો જવાબ આપવો મુશ્કેલ છે. મારે મારી પત્નીને પૂછવું પડશે, નહીં તો પછી મારા માટે છૂટાછેડાનું જોખમ વધી જશે.'

આશિષ નેહરા અને રુષ્મા (RUSHMA) 2002ની સાલથી એકમેકને ઓળખતા હતા અને રિલેશનશિપમાં હતા. તેમણે 2009ની સાલમાં લગ્ન કર્યાં હતાં. તેમને એક પુત્ર (આરુષ) અને એક પુત્રી (અરિયાના) છે.

નેહરાને ભવિષ્યમાં ભારતીય ટીમને કોચિંગ આપવામાં કોઈ રસ નથી, કારણકે તેણે વર્ષ દરમ્યાન વારંવાર ટીમ સાથે પ્રવાસ કરવો પડે અને વર્ષમાં લગભગ નવ મહિના પરિવારથી દૂર રહેવું પડે. તેણે ક્રિકેટ અસોસિયેશન ઑફ બેન્ગાલ (સીએબી)ના એક કાર્યક્રમમાં સ્પીચમાં કહ્યું, `હું ટીમ ઇન્ડિયાનો કોચ બનું કે નહીં એ વિશે કહેવું મુશ્કેલ છે, કારણકે વર્ષમાં મારે આઠથી નવ મહિના ફૅમિલીથી દૂર રહેવું પડે. મારે ટીમ ઇન્ડિયા સાથે કોચ તરીકે જોડાવું કે નહીં એ બાબતમાં મારે મારી પત્નીને પૂછવું પડે, નહીં તો મારે ડિવૉર્સ લેવાનો વખત આવે. ખરું કહું તો આંતરરાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવું આસાન કામ નથી. ભાગ્યે જ કોઈ કોચ ત્રણ-ચાર વર્ષથી વધુ કોચિંગ આપે, કારણકે શેડ્યૂલ ખૂબ વ્યસ્ત રહેતું હોય અને વારંવાર પ્રવાસ પણ કરવો પડે.'

ગુજરાત ટાઇટન્સના કોચ નેહરાએ ભારપૂર્વક કહ્યું, `હું કોચના હોદ્દાને મહત્ત્વકાંક્ષા માનતો જ નથી. આ જવાબદારી સંભાળવા મળે એ મોટું ગૌરવ કહેવાય. જોકે હું ક્યારેય કોચિંગને નોકરી તરીકે ગણતો જ નથી, હું એને પૅશન તરીકે જ ઓળખાવું છું.'