Sat Nov 07 2026

Logo

અરુણાચલ પ્રદેશમાં LAC પર સૈન્ય ઘર્ષણ બાદ ચીનનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું...

2026-10-26 16:25:00
Author: Vimal Prajapati
અરુણાચલ પ્રદેશમાં LAC પર સૈન્ય ઘર્ષણ બાદ ચીનનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું...

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશ નજીક ભારત-ચીન LAC પર બોર્ડર પેટ્રોલિંગને લઈને સર્જાયેલા ઘર્ષણ અંગે ચીનનું પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ચીને દાવો કર્યો છે કે તે બંને દેશો વચ્ચે સરહદ સુરક્ષા અને પેટ્રોલિંગ સંબંધિત થયેલા કરારોનું સંપૂર્ણ પાલન કરે છે અને સીમાવર્તી વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ યોજે છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન દ્વારા નિર્ધારિત નીતિ-નિયમોનું પાલન ન કરવાને કારણે જ LAC પર પરિસ્થિતિ વણસી રહી છે.

ITBP મહાનિર્દેશકે ઘર્ષણ અંગે આપી હતી ચેતવણી

અગાઉ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના મહાનિર્દેશક શત્રુજીત સિંહ કપૂરે શુક્રવારે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હજુ પણ ઘર્ષણ થવાની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. આ પ્રકારની તંગદિલી જુલાઈ મહિના દરમિયાન પણ જોવા મળી હતી.

ITBP મહાનિર્દેશકના આ નિવેદન બાદ ભારતીય પક્ષે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, જ્યારે પણ ચીન પેટ્રોલિંગ માટે બંને દેશો વચ્ચે સંમતિથી નક્કી કરાયેલી પદ્ધતિઓ અને શરતોનો ભંગ કરે છે, ત્યારે સરહદ પર વાતાવરણ બગડે છે અને સૈન્ય વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય છે.

ચીનનો શાંતિ અને સહયોગનો દાવો

ભારતના આક્ષેપો બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ એ જણાવ્યું હતું કે, ચીન અને ભારત હાલમાં રાજદ્વારી અને સૈન્ય સ્તરના માધ્યમો દ્વારા સતત એકબીજાના સંપર્કમાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, “ભારત પણ આ દિશામાં સકારાત્મક કામ કરશે, જેથી બંને પક્ષો વચ્ચે બનેલી સામાન્ય સંમતિઓને સંયુક્ત રીતે અમલમાં મૂકી શકાય અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે મજબૂત પગલાં ભરી શકાય”. જોકે, ચીન તરફથી સામાન્ય પેટ્રોલિંગનો દાવો કરવામાં આવી રહ્યો હોવા છતાં, ભારતીય સુરક્ષા દળો LAC પર સઘન દેખરેખ રાખી રહ્યા છે અને ચીનની કોઈ પણ ચાલબાજીનો યોગ્ય જવાબ આપવા માટે સરહદે સતર્ક છે.