મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે (એએનસી) એન્ટોપ હિલ વિસ્તારમાં 44 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે બે જણની ધરપકડ કરી હતી. એએનસીના બાંદ્રા યુનિટે ધરપકડ કરેલા બંને આરોપીની ઓળખ આતિફ નબીલ શેખ (20) અને મન્સુર મોહંમદ શેખ (30) તરીકે થઇ હતી.
એએનસીના અધિકારીઓ શનિવારે સાંજે એન્ટોપ હિલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જીટીબી નગરમાં તેમની નજરે આરોપીઓ પર પડી હતી. આરોપીઓની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેમને તાબામાં લેવાયા હતા. તેમની તલાશી લેવામાં આવતાં 44.10 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આથી બંને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવ્યા હતા, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.