રાજકોટઃ મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થીએ કોલેજની મેઈન બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી છે અને તપાસ શરૂ કરી હતી. એક અઠવાડિયામાં આવી બીજી ઘટના બનતાં યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. ઉપરાંત બંને વચ્ચે કંઈ કનેક્શન છે કે નહીં તેવી ચર્ચા પણ વહેતી થઈ હતી.
મળતી વિગત પ્રમાણે, મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થી હિંમત ગંદમાનએ યુનિવર્સિટી કેમ્પસમાં મેઈન બિલ્ડિંગમાંથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થી હેમંત ગંદમા ભણવામાં હોશિયાર હતો, નિયમિત કોલેજ જતો અને તેનું એકપણ પેપર બાકી (બેકલોગ) નહોતું. સીસીટીવી ફૂટેજ મુજબ, તે કોલેજ બેગ લીધા વગર જ યુનિવર્સિટી પહોંચ્યો હતો અને સીધો છઠ્ઠા માળે જઈને ત્યાંથી નીચે કૂદી પડ્યો હતો.
આ પહેલાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીએ મોતની છલાંગ લગાવી હતી. મૂળ આંધ્રપ્રદેશની વતની અલ્લા વ્યંકટેશ સૌબર્નિકા નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલની એ વિંગના 10મા માળેથી નીચે પડી હતી. ઘટનાની જાણ થતાં હોસ્ટેલમાં દોડધામ મચી ગઈ હતી.
સૌબર્નિકા મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરમાં AI બેઝ અભ્યાસ કરતી હતી. પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.