મુંબઈઃ રણબીર કપૂર અને સાંઈ પલ્લવીની આગામી ફિલ્મ 'રામાયણ' રિલીઝ થતા પહેલા અંજલી અરોરાની ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા- શ્રીરામકી' સિનેમાઘરોમાં ટૂંક સમયમાં જોવા મળશે. હવે મેકર્સ દ્વારા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પ્રાચીન મહાકાવ્ય રામાયણની ગાથાને મોટા પડદે રજૂ કરશે. આ ફિલ્મનો ઉદ્દેશ તેના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનું છે.
ટ્રેલર રિલીઝ પહેલા મેકર્સે આ ફિલ્મનું ટીઝર અને ત્રણ ગીતો 'સિયારામ', 'રામજી કી સેનાએ' અને 'હે હનુમાન' રિલીઝ કર્યા હતા. આ ગીતોને સંગીત પ્રેમીઓ તરફથી ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
જોકે ફિલ્મના અન્ય ગીતો રિલીઝ થવાના છે. બીજી તરફ રણબીર કપૂરની ફિલ્મનું બજેટ 4,000 કરોડ રૂપિયા છે. તે દિવાળી પર આવશે. સરખા ટોપિકના લીધે બંને ફિલ્મોની તુલના પણ થઈ રહી છે.
અંજલી અરોરાની રામાયણનું ટ્રેલર રિલીઝ
ટ્રેલરમાં શ્રીરામ અને માતા સીતાની દિવ્ય યાત્રાની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં દેવ શર્મા શ્રીરામના રૂપમાં છે તો અંજલી અરોરા માતા સીતાના પાત્રમાં જોવા મળશે. આ સાથે જ રજનીશ દુગ્ગલ રાવણના પાત્રમાં છે.
ટ્રેલરમાં રામાયણના અમુક મહત્વપૂર્ણ પળો બતાવવામાં આવ્યા છે, જેમાં શ્રી રામ અને માતા સીતા વચ્ચેના સબંધો, વનવાસ દરમિયાન તેમની યાત્રા, સીતાહરણ, હનુમાનજીની ભક્તિ અને ધર્મ અને અધર્મ વચ્ચેની અંતિમ લડાઈ સામેલ છે.
ધર્મ અને મર્યાદાની સ્ટોરી
ટ્રેલરમાં ફિલ્મના મુખ્ય સંદેશને 'અધર્મ કે સામને ધર્મ કા નામ, શ્રી રામ' લાઈન દ્વારા બતાવવામાં આવ્યું છે, જેમાં ધર્મ અને મર્યાદા કહાનીના મુખ્ય વિષય છે. ફિલ્મના મ્યુઝિકમાં અનેક પ્રખ્યાત અને ઉમદા ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે, જેમાં કૈલાશ ખેર, જાવેદ અલી, ફરહાદ ભિવંડીવાલા, અનુરાગ શર્મા અને સુનિલ સોની જેવા ગાયકો સામેલ છે, જેમને હિન્દી અને છત્તીસગઢી ભાષામાં ગીતો ગયા છે. જેમાં ગાયક શાનનો અવાજ પણ આ ગીતમાં હશે.
25 સપ્ટેમ્બરે રિલીઝ થશે
અભિષેક સિંહ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા- શ્રીરામ કી'માં શીલ વર્મા લક્ષ્મણ અને નિર્ભય વાધવા હનુમાનના પાત્રમાં જોવા મળશે. તેનું નિર્માણ પ્રકાશ મહોબીયા અને સંજય બુંદેલાએ કર્યું છે, સહ-નિર્માતા હની કુલદીપ અગ્રવાલ અને મોનીકા સેન છે અને આ ફિલ્મને એજે ફિલ્મ એન્ટરટેઇન્મેન્ટ વર્લ્ડના અજય કનૌજિયા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ 25 સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં સિનેમાઘરોમાં હિન્દી અને છત્તીસગઢીમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે.