અનંત ચતુર્દશી એટલે કે અનંત ચૌદશનો પાવન દિવસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે એક તરફ ભગવાન શ્રીહરિ વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરી 14 ગાંઠોવાળું રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે, તો બીજી તરફ દસ દિવસ સુધી ચાલેલા ગણેશોત્સવ બાદ બાપ્પાને ભારે હૈયે જળમાં વિદાય આપવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી પર આકાશમાં એક અતિ દુર્લભ અને મોટો જ્યોતિષીય સંયોગ રચાયો છે.
કુંભ રાશિમાં ચંદ્ર અને રાહુની યુતિથી 'ગ્રહણ યોગ' નું નિર્માણ થયું છે, સાથે જ ચંદ્ર કુંભ રાશિના ઘનિષ્ઠા, શતભિષા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યો હોવાથી પંચક પણ પ્રભાવી બન્યું છે. રાહુ એક રાશિમાં આશરે 18 મહિના રહે છે અને કુંભ રાશિમાં રાહુનું ગોચર ઘણા વર્ષોમાં એકવાર આવે છે. પરિણામે, અનંત ચતુર્દશીના પર્વે કુંભ રાશિમાં રાહુ અને ચંદ્રનું આ મિલન લગભગ 18 વર્ષના લાંબા ગાળા બાદ બન્યું છે.
સામાન્ય રીતે જ્યોતિષમાં ગ્રહણ યોગ કે પંચકને સાવચેતીભર્યું માનવામાં આવે છે, પરંતુ આ વિશિષ્ટ સંયોગ ચાર ચોક્કસ રાશિઓ માટે સુવર્ણ તકો અને ધનલાભ લઈને આવ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ચાર ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે રાહુ અને ચંદ્રનો આ સંયોગ ૧૧મા ભાવમાં એટલે કે લાભ અને આવકના સ્થાનમાં રચાયો છે. ૧૧મા ભાવમાં આ યુતિ આર્થિક મોરચે અણધાર્યા શુભ પરિણામો આપશે. અટકેલા નાણાં અચાનક પરત મળશે અને આવકના નવા રસ્તા ખુલશે. વેપારીઓ માટે કોઈ મોટી નફાકારક ડીલ ફાઈનલ થવાની પ્રબળ શક્યતા છે.
મિથુનઃ
મિથુન રાશિ માટે આ યોગ ૯મા ભાવમાં એટલે કે ભાગ્ય અને ધર્મના સ્થાનમાં બન્યો છે. નસીબનો પૂરો સાથ મળવાથી લાંબા સમયથી અટવાયેલા કામો ઝડપથી પૂરા થશે. ઉચ્ચ શિક્ષણ, વિદેશ વેપાર કે ઓનલાઈન બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નવી વૈશ્વિક તકો સાંપડશે. આ સમયગાળામાં તીર્થયાત્રા કે ધાર્મિક પ્રવાસના યોગ પણ બની રહ્યા છે.
તુલાઃ
તુલા રાશિ માટે આ યુતિ ૫મા ભાવમાં રચાઈ રહી છે, જે બુદ્ધિ, સંતાન અને લાભનો ભાવ માનવામાં આવે છે. આ દરમિયાન તુલા રાશિ પર અન્ય શુભ ગ્રહોની પણ કૃપા છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે જૂના રોકાણોમાંથી અણધાર્યો મોટો આર્થિક લાભ થઈ શકે છે. ક્રિએટિવ ફિલ્ડ, કળા અને મીડિયા ક્ષેત્રે કામ કરતા લોકોને મોટું પ્લેટફોર્મ અને લોકપ્રિયતા મળશે.
ધનઃ
ધન રાશિ માટે ચંદ્ર અને રાહુ ત્રીજા પરાક્રમ ભાવમાં બિરાજમાન રહેશે. તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે. કાર્યસ્થળ કે ઓફિસમાં મોટી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ પર તમારો દબદબો રહેશે તેમજ ઉચ્ચ અધિકારીઓ તમારી કાર્યશૈલીની મુક્ત મને પ્રશંસા કરશે.