અમરેલીઃ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે તેવા અનેક દાવાઓ કરવામાં આવતા રહે છે, પરંતુ અનેક એવી ઘટનાઓ પણ બને છે, જેમાં દીકરીઓની સુરક્ષા અંગે સવાલ થવા લાગે છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મહિલાઓ મોડી રાત સુધી બહાર ફરી શકે તે માટે પોલીસ દ્વારા સારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ જાફરાબાદમાં બનેલી એક ઘટનાએ ફરી દીકરીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ મુકી દીધો છે. અહીં એક શિક્ષકે ચાર સગીરાઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સરકારી શાળાના શિક્ષકે આચર્યું દુષ્કર્મ
ઘટનાની વાત કરવામાં આવે તો, અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ પંથકમાં આવેલી એક સરકારી શાળાના શિક્ષકે ચાર સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ નરાધમી હેવાન શિક્ષકે એક વખત નહીં પરંતુ છેલ્લા છ મહિનાઓથી આ દીકરીઓને સ્ટાફરૂમમાં બોલાવીને અડપલા કરીને દુષ્કર્મ આચરતો હતો. આ સમગ્ર બાબત પ્રકાશમાં આવતા પોલીસે ફરિયાદ નોંધીને આરોપી હેવાન શિક્ષકની ધરપકડ કરી લીધી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે આરોપી શિક્ષક
મળતી વિગતો પ્રમાણે પોલીસે રામશંકર બટુકભાઈ પંડ્યા નામના શિક્ષકની ધરપકડ કરી છે. આરોપી ભાવનગર જિલ્લાના તળાજાના વેળાવદરનો રહેવાસી છે અને અહીં સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. આ શિક્ષકે પહેલા ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે પણ ફરજ બજાવી હતી. પોલીસમાં ફરજ બજાવી અને હવે શિક્ષક તરીકે ફરજ બજાવતા આ નરાધમીએ દીકરીઓ પર આચરેલા દુષ્કર્મ બાદ તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.