અમરેલીઃ અમરેલી સ્થિત ઇરિગેશન કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો એન્ટી કરપ્શન બ્યુરોદ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બાંધકામના બાકી બિલો તેમજ મટિરિયલ ટેસ્ટિંગ બિલના નાણાં મંજૂર કરવાના અવેજ પેટે અગાઉ ચૂકવાયેલા બિલના એક ટકા લેખે રૂ. 51,000ની લાંચ સ્વીકારતા જુનિયર ક્લાર્ક અને એક કરાર આધારિત પટાવાળાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વિગત અનુસાર, એક કોન્ટ્રાક્ટરને અમરેલી ઇરિગેશન વિભાગ તરફથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન વિવિધ બાંધકામો માટેના વર્ક ઓર્ડર મળ્યા હતા. કામગીરી પૂર્ણ થયા બાદ તેમની કન્સ્ટ્રક્શન કંપનીના ખાતામાં અમુક રકમ જમા થઈ ચૂકી હતી, જ્યારે બાકી નીકળતા નાણાં તેમજ બાંધકામમાં વપરાયેલા મટિરિયલના ટેસ્ટિંગ બિલની મંજૂરી મેળવવાની બાકી હતી. આ બાકી બિલો ક્લિયર કરી આપવાના બદલામાં, અગાઉ ચૂકવાયેલી રકમ પર એક ટકા કમિશન પેટે કચેરીના જુનિયર ક્લાર્ક (વર્ગ-3) રાકેશ વિનોદરાય ભટ્ટે રૂ. 51,000ની લાંચની માંગણી કરી હતી.
તેઓ આ લાંચની રકમ ચૂકવવા માંગતા ન હોવાથી તેમણે અમરેલી એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા બહુમાળી ભવનની 'સી' વિંગના ત્રીજા માળે આવેલી ઇરિગેશન કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટના કહેવાથી કચેરીના કરાર આધારિત પટાવાળા જયદિપ ચતુરભાઈ હરિયાણીએ ફરિયાદી પાસેથી રૂ. 51,000ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી. જેના પગલે ઈરિગેશન કચેરીમાં સોંપો પડી ગયો હતો.