બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કરોડો ફેન્સને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવ્યા છે. 84 વર્ષીય બિગ બીની તબિયત નાદુરસ્ત થતાં તબીબોએ તેમને આગામી થોડા દિવસો માટે સંપૂર્ણ આરામ કરવાની તાકીદ કરી છે. આ અંગે બિગ બીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) અને પોતાના બ્લોગ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે અને નિયમિત સંપર્કમાં ન રહી શકવા બદલ ફેન્સની માફી પણ માંગી છે. ચાલો જોઈએ શું છે મામલો-
બિગ બી દ્વારા કરવામાં આવેલી પોસ્ટ બાદ સમગ્ર બોલીવૂડ અને દેશ-વિદેશમાં વસતા તેમના પ્રશંસકો તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન સામાન્ય રીતે રોજ રાત્રે પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે સંવાદ સાધવા માટે જાણીતા છે. જોકે, બુધવારે તેમણે એક ભાવુક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે ક્ષમા કરશો... હું માફી માંગુ છું.
T 5889,10,11,12 - apologies .. क्षमा प्रार्थी हूँ, कुछ दिनों के लिए आराम और सँवरने का समय निकालने को कहा गया है सो कुछ लिख नहीं पा रहा हूँ ..
— Amitabh Bachchan (@SrBachchan) October 21, 2026
મેગા સ્ટારે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ લખ્યું હતું કે મને થોડા દિવસો માટે સંપૂર્ણ આરામ અને રિકવરી કરવાની સલાહ આપવામાં આવી છે, તેથી હું હાલમાં કંઈ લખવા કે વાતચીત કરવા માટે અસમર્થ છું. દશેરા અને તહેવારોની શુભકામનાઓ પાઠવનારા તમામ સ્નેહીજનોના અંગત મેસેજનો તેઓ વ્યક્તિગત જવાબ આપવા માટે સમર્થ નથી.
બિગ બીએ બ્લોગમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ 'Strict rest and recuperation' હેઠળ છે અને તેમને કોઈની સાથે વધુ વાતચીત કે કમ્યુનિકેશન કરવાની પરવાનગી આપવામાં આવી નથી. જોકે, તેમને કઈ બીમારી કે સ્વાસ્થ્ય સમસ્યાને કારણે આરામની સલાહ અપાઈ છે તેની સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી. પરંતુ વધતી ઉંમર અને શૂટિંગના ભારે વર્કલોડને કારણે શારીરિક થાક અને નબળાઈ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મો, ટેલિવિઝન શૉ અને બ્રાન્ડ શૂટિંગમાં સતત વ્યસ્ત રહે છે. તેઓ દર અઠવાડિયે કલાકો સુધી સેટ પર ઊભા રહીને શૂટિંગ પૂર્ણ કરતા જોવા મળે છે. તાજેતરમાં મુંબઈમાં બદલાતા વાતાવરણ અને ઓક્ટોબર હીટ વચ્ચે કલાકારોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે, ત્યારે તબીબોએ તેમને કામકાજથી સંપૂર્ણ બ્રેક લેવાની કડક સલાહ આપી છે.
બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ કોમેન્ટ સેક્શનમાં શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે, સર, પ્લીઝ માફી ન માંગો, પહેલાં તમારી તબિયત સંભાળો અને સંપૂર્ણ આરામ કરો. સેલિબ્રિટીઝ અને નેટિઝન્સ તેમના દીર્ઘાયુ અને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.