Tue Nov 10 2026

Logo

આ વખતે દિવાળીમાં અમદાવાદમાં માત્ર 7 જ સ્થળ રોશનીનો ઝગમગાટ દેખાશે, વીજસંકટનું કારણ અપાયું...

2026-10-31 22:24:17
Author: Mumbai Samachar Team
આ વખતે દિવાળીમાં અમદાવાદમાં માત્ર 7 જ સ્થળ રોશનીનો ઝગમગાટ દેખાશે, વીજસંકટનું કારણ અપાયું...

AI પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ રાજ્યભર પર સર્જાયેલા વીજસંકટને પગલે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ દિવાળીનાં તહેવારોમાં શહેરનાં વિવિધ સ્થળોએ આખીરાત રોશની કે લાઈટનો ઝગમગાટ કરવાને બદલે ભદ્રકાળી મંદિર સહિત 7 જગ્યાએ જ ઝગમગ લાઇટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  એ પણ સીમિત સમય માટે ચાલુ રાખવામાં આવશે.  સ્થાયી કમિટી ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા વર્ષોથી સાબરમતી નદી ઉપરનાં બ્રિજ, ટાઉનહોલ, ટાગોરહોલ જેવી ઇમારતો, અંડરપાસ, ટ્રાફિક સર્કલો વગેરે જગ્યાએ લાઇટિંગ કરવામાં આવે છે. પણ આ વર્ષે માત્ર ગણતરીની જગ્યાઓ ઉપર જ લાઈટિંગ જોવા મળશે. 

વીજસંકટને કારણે લેવાયો નિર્ણય 
રાજ્યમાં વીજસંકટ પ્રવર્તમાન હોય ત્યારે કોર્પોરેશન વીજ વપરાશમાં કરકસર કરે તે હિતાવહ છે. ઝાકમઝોળ લાઇટિંગ શહેરની બજારોમાં થઇ ગઇ છે. અનેક સ્થળોએ રોશની કરવાને બદલે ભદ્રકાળી મંદિર અને છ બ્રિજ ઉપર જ રોશની કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં પાણીની બચત માટે પણ જરૂરી એવા પગલાં લેવામાં આવશે.  શહેરમાં પાણીનો ગેરકાયદે રીતે વધુ વપરાશ કરતાં હોય તેવા વ્હિકલ સર્વિસ સેન્ટરો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ, પીજી આવાસો વગેરે જગ્યાએ પાણીનાં જોડાણોની કાયદેસરતા ચકાસીને પગલાં લેવાશે.

ગેરકાયદે જોડાણો કાપવા માટે ઇજનેર ખાતાને સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવારને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના આ અંગેના નિર્ણયની ચર્ચા શરૂ થઈ છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા સમગ્ર અમદાવાદને દિવાળી નિમિત્તે અનોખી રીતે સજાવવામાં આવે છે. 

આ વખતે રોશની મર્યાદિત
કોર્પોરેશન દ્વારા રોશનીના તહેવારમાં રોશનીને મર્યાદિત કરી દેવામાં આવી છે. આ પાછળનું કારણ વીજસંકટ હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉ કુલ 118 સ્થળો પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. સાબરમતી નદી પરના 7 બ્રિજ સહિત અન્ય 45 બ્રિજ, 46 ટ્રાફિક સર્કલ, 7 અંડરપાસ, 11 હેરિટેજ દરવાજા અને 2 શિલ્પો સહિત આશરે કુલ 118 સ્થળો પર દિવાળીની રોશની જોવા મળતી હતી. જે આ વર્ષે જોવા નહીં મળે. સુભાષબ્રિજ સિવાય સાબરમતીના 6 બ્રિજ ઝગમગશે એવી સ્પષ્ટતા પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.