Sat Sep 12 2026

Logo

આદિપુર માટેની મહત્વાકાંક્ષી શિણાય ડેમ યોજના નિષ્ફળ: લાખોનો ખર્ચ એળે ગયો

2026-08-07 13:30:00
Author: Mumbai Samachar Team
આદિપુર માટેની મહત્વાકાંક્ષી શિણાય ડેમ યોજના નિષ્ફળ: લાખોનો ખર્ચ એળે ગયો

ભુજ: શિણાય ડેમથી આદિપુરને પીવાનું પાણી આપવાની યોજના ઉતાવળે કાર્યરત કરી દીધા પછી હવે નિષ્ફળ નીકળી છે. ડેમ માટે પાણી એચ.એસ.આર. ટાંકા ઉપર પહોંચાડવામાં મશીનરી સક્ષમ નથી. યોગ્ય આકલન અને ટેકનિકલ પાસાઓને તપાસ્યા વગર જ લાખો રૂપિયાના ખર્ચે મશીનરી વસાવી છે, પરંતુ હવે તે બિનઉપયોગી બની છે, જેના પગલે પાણી પુરવઠા બોર્ડ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

યોગ્ય જેકવેલ અને ૭૫ થી ૧૦૦ હોર્સ પાવર (એચ.પી.)ની ભારે ક્ષમતા ધરાવતી મોટરો મૂકવાને બદલે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૨૦ અને ૨૫ એચ.પી.ની નાની મોટરો ગોઠવવામાં આવતાં પાણી એચ.એસ.આર. ટાંકા સુધી પહોંચાડવામાં મશીનરી અસક્ષમ નીવડી છે.

જે-તે સમયે સ્થાનિકોનો આક્રોશ શમાવવા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ઉતાવળમાં હાથ ધરેલા આ પ્રકલ્પ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થવા છતાં આદિપુરને મળવાપાત્ર દૈનિક ૮ થી ૧૦ એમ.એલ.ડી. પાણી પહોંચાડી શકાયું નથી. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ પણ મશીનરી અસક્ષમ હોવાનો સ્વીકાર કર્યો છે.

અજાપરથી મેઘપર તથા ગળપાદરને પાણી વિતરણ

મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાનાં પાણીની હાડમારી છે, હાલના સમયે પણ લોકોને નિયમિત પાણી મળતું નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અજાપરનો પ્રકલ્પ કાર્યરત કરવામાં આવ્યો છે અને ત્યાંથી દોઢ એમએલડી પાણી મેઘપર તથા ગળપાદરને આપવામાં આવી રહ્યું હોવાનું પાણી પુરવઠા બોર્ડે કહ્યું હતું. અન્ય ગામો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમને પણ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો અપાય તેવી માંગ ઊઠી છે.

ઉત્સવ વૈદ્ય