અકોલા: મહારાષ્ટ્રના અકોલા રેલવે સ્ટેશન પર ફરજ પર તૈનાત મહિલા રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના અધિકારીએ સતર્કતા અને હિંમત બતાવીને 55 વર્ષીય મહિલા મુસાફરનો જીવ બચાવ્યો હતો. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતી વખતે મહિલાનું સંતુલન બગડ્યું હતું અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં પડવા લાગી હતી. જોકે, મહિલા અધિકારીએ સમયસર દોડી જઈ તેમને પકડી લીધાં અને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર ખેંચી લીધાં હતાં. આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી.
આરપીએફના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, અકોલા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી નાગપુર-અમદાવાદ પ્રેરણા એક્સપ્રેસ (ટ્રેન નંબર 22138) રવાના થઈ રહી હતી. આ દરમિયાન અકોલાનાં રહેવાસી સંગીતા ભરત ખત્રી ચાલતી ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તેઓ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ઊતરવા જતાં સંતુલન ગુમાવી બેઠાં હતાં અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં સરકવા લાગ્યાં હતાં.
RPF ASI Sonal Ingle saved a 55-year-old woman from falling into the gap between a moving train and the platform at Akola railway station on October 17. This was her second life-saving work in 7 days. Her noble effort is being appreciated by one and all. #Akola #Railway #India https://t.co/a1W3f2dRmS
— Chetna Raja (@ChetnaRaja) October 21, 2026
સ્ટેશન પર ફરજ બજાવી રહેલાં આરપીએફનાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) સોનલ ઇંગલેની નજર તરત જ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક દોડી જઈ મહિલાને પકડી લીધી હતી અને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લીધાં હતાં. આ ઝડપી કાર્યવાહીથી મહિલા પાટા પર પડતાં બચી ગયાં હતાં. આ ઘટનામાં મહિલાને સામાન્ય ઉઝરડા પડ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોનલ ઇંગલેએ માત્ર સાત દિવસના ગાળામાં બે મુસાફરોને અકસ્માતથી બચાવ્યા છે. આ બંને બચાવ કામગીરી આરપીએફના ‘ઓપરેશન જીવન રક્ષા’ અંતર્ગત કરવામાં આવી હતી. આ પહેલાં 10 ઓક્ટોબરે પણ સોનલ ઇંગલેએ અકોલા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર અમદાવાદ-ચેન્નાઈ નવજીવન એક્સપ્રેસ (ટ્રેન નંબર 12655)માં ચઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન ગુમાવનાર એક દિવ્યાંગ વૃદ્ધ મુસાફરને બચાવ્યા હતા. મહિલા અધિકારીની સમયસૂચકતા અને હિંમતને કારણે બે મુસાફરો ગંભીર અકસ્માતનો ભોગ બનતાં બચી ગયા હતા.