વિદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યા છો અથવા સાઉદી અરેબિયાથી ભારત આવવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એર ઇન્ડિયાએ સાઉદી અરેબિયાની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિયાધ, દમ્મામ અને જેદ્દાહ આવતી-જતી પોતાની તમામ ફ્લાઇટ્સ 20 ઑક્ટોબર 2026 સુધી રદ કરી દીધી છે. આ નિર્ણયથી એવા મુસાફરોની પ્રવાસ યોજના પ્રભાવિત થઈ શકે છે, જેમણે આ શહેરો માટે ટિકિટ બુક કરાવી છે. જોકે, મુસાફરોને રાહત આપતા એરલાઇને સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત કરી છે.
કંપનીનું કહેવું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે. આ નિર્ણયની અસર ભારતથી સાઉદી અરેબિયા જતા મુસાફરોની સાથે-સાથે ત્યાંથી ભારત પરત ફરતા મુસાફરો પર પણ પડશે.
પોસ્ટ કરીને લોકોને માહિતી આપી
એર ઇન્ડિયાના ઓફિશિયલ X (ટ્વિટર) એકાઉન્ટ પર કરાયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘સાઉદી અરેબિયામાં બદલાતી સ્થિતિને જોતાં, રિયાધ, દમ્મામ અને જેદ્દાહથી આવતી-જતી એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ્સ 20 ઑક્ટોબર 2026 સુધી રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા માટે અમારા મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’
ફરી ક્યારે શરૂ થશે ફ્લાઇટ્સ
જે લોકોએ આ શહેરો માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી છે, તેમણે પોતાના પ્રવાસ સંબંધિત માહિતીની તપાસ કરી લેવી જોઈએ. ફ્લાઇટ્સ રદ થવાને કારણે મુસાફરોને મુશ્કેલી ચોક્કસ પડી શકે છે, પરંતુ એર ઇન્ડિયાએ ટિકિટના પૈસા પાછા (રિફંડ) આપવાની જાહેરાત કરી છે.
કેવી છે સાઉદી અરેબિયાની સ્થિતિ?
સાઉદી અરેબિયામાં હાલ મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમને કારણે હવાઇ યાત્રા પર બહુ ખરાબ અસર પડી છે. જેના કારણે એર ઇન્ડિયા સહિત અનેક એરલાઇન્સે સાઉદી અરબિયા જતી અને ત્યાંથી રિટર્ન આવતી અનેક ઉડાનો રદ્દ કરી છે.