Sat Oct 10 2026

Logo

એઆઈ અને ડીપફેકનો ખતરો વધ્યો: 50થી વધુ કેસ છતાં ભારતમાં નથી કોઈ કાયદો?

2026-09-29 20:38:46
Author: Mumbai Samachar Team
એઆઈ અને ડીપફેકનો ખતરો વધ્યો: 50થી વધુ કેસ છતાં ભારતમાં નથી કોઈ કાયદો?

મુંબઈ: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડીપફેક ટેક્નોલોજીના વધતા ઉપયોગ વચ્ચે સેલિબ્રિટીઝના નામ, ચહેરા, અવાજ અને ઓળખના અનધિકૃત ઉપયોગ સામે કાનૂની લડાઈ હવે ગરમાઈ છે. 2022થી અત્યાર સુધીમાં ભારતમાં પર્સનાલિટી રાઈટ્સ સાથે જોડાયેલા એક બે નહીં પણ 50 કેસ આવ્યા છે. ખાસ કરીને એઆઈથી બનેલા વીડિયો, નકલી અવાજ, ડીપફેક અને ઓળખનો વ્યાવસાયિક ઉપયોગ હવે અદાલતો માટે પણ નવો કાનૂની પડકાર બની રહ્યો છે. સૌથી મોટી સમસ્યા છે કે દિગ્ગજ કલાકારો પણ એમાં સપડાયા પછી પણ આ મુદ્દે નક્કર કાર્યવાહી થઈ શકતી નથી.

હાલમાં જ દિલ્હી હાઇ કોર્ટે પર્સનાલિટી રાઈટ્સથી જોડાયેલા ત્રણ મામલાને સાથે લઈને સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં એક્ટર વિવેક ઓબેરોય, જાહ્નવી કપૂર અને આરાધ્યા બચ્ચન સાથે જોડાયેલા મામલાઓ સામેલ છે. કોર્ટ 30 સપ્ટેમ્બર સુધીમાં આ મામલાઓ પર સુનાવણી કરશે. 2022માં અમિતાભ બચ્ચનથી લઈને વરુણ ધવન, પ્રીતિ ઝિન્ટા, રવિ કિશન, જાહ્નવી કપૂર, મનોજ વાજપેયી અને બીજા જાહેર ચહેરાઓ સુધી અનેક મામલાઓ અદાલતમાં પહોંચ્યા છે. 

2025માં એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કરણ જોહર, રિતિક રોશન, નાગાર્જુન, સલમાન ખાન, જ્યા બચ્ચન અને અજય દેવગણ સહિત અનેક નામો સામે આવ્યા હતા. જેમાં એઆઈ જનરેટેડ કન્ટેન્ટ, ડીપફેક, અવાજની નકલ સામેલ છે. ત્યાર બાદ વિવેક ઓબેરોય, કાજોલ, જુબિન નોટિયાલ, વરુણ ધવન, પ્રીતિ ઝિન્ટા, અલ્લુ અર્જુન, નાગા ચૈતન્ય, રવિ કિશન અને મનોજ બાજપેયી જેવા નામ પણ જોડાયા હતા. અનેક મામલામાં એઆઈથી બનેલા વીડિયો, ક્લોન અવાજ, ફેક એકાઉન્ટને લઈને કાયદેસર સુરક્ષાની માગ કરવામાં આવી હતી. 

ભારતમાં પર્સનાલિટી રાઈટ્સ માટે કોઈ પણ પ્રકારનો અલાયદો કાયદો નથી. અદાલતોના નિર્ણય આ કાયદાને ધીરે ધીરે આકાર આપી રહી છે. શાહરુખ ખાન, અજય દેવગણ અને પ્રિયંકા ચોપરાએ પોતાના નામે ટ્રેડમાર્ક અને પેટન્ટ્સ પણ નોંધાવેલી છે. 

જાહ્નવી કપૂરના કેસમાં 6,884 યુઆરએલ પર વ્યાપક રોકની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે તમામ યુઆરએલ પર એકસાથે પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરીને 552 યુઆરએલ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમે પર્સનાલિટી રાઈટ્સ અને ફ્રી સ્પીચ, ટીકા તથા પેરોડી વચ્ચે સંતુલનનો મહત્વનો પ્રશ્ન પણ નિર્માણ કર્યો હતો. 

2022માં અમિતાભ બચ્ચનના કેસ બાદ આ મુદ્દાને વિશેષ કાનૂની મહત્વ મળ્યું. ત્યારબાદ અનિલ કપૂર, અરિજીત સિંઘ  સહિત અનેક જાણીતા ચહેરાઓના કેસોમાં નામ, તસવીર, અવાજ, ડાયલોગ અને ઓળખી શકાય તેવી વિશેષતાઓના ઉપયોગ અંગે અદાલતો સમક્ષ પ્રશ્નો આવ્યા. ખાસ કરીને અરિજીત સિંઘના કેસે વ્યક્તિના અવાજને પણ ઓળખના મહત્વપૂર્ણ હિસ્સા તરીકે જોવો જોઈએ કે નહીં તે ચર્ચાને આગળ ધપાવી. 

2026માં એઆઈ સંબંધિત કેસોની સંખ્યા અને વિવિધતા વધુ જોવા મળી હતી. વરુણ ધવનના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એઆઈથી બનેલા ડીપફેક અને તેમના નામ, ફોટા તથા અવાજના અનધિકૃત ઉપયોગ સામે સુરક્ષા આપી હતી.  જ્યારે રવિ કિશનના કેસમાં કોર્ટના આદેશ બાદ ગુગલ, મેટા અને એક્સ જેવી કંપનીઓને સંબંધિત કન્ટેન્ટની વેબલિંક હટાવવા માટે 72 કલાકની સમયમર્યાદા આપવામાં આવી હતી. 

પર્સનાલિટી રાઈટ્સ માટે ભારતમાં હાલમાં કોઈ એક અલગ અને વ્યાપક કાયદો નથી. તેથી અદાલતો ગુપ્તતા, કૉપિ-રાઇટ, ટ્રેડમાર્ક અને અગાઉના ચુકાદાઓ જેવા કાનૂની આધાર પર આવા કેસોનો નિકાલ કરે છે. એઆઈને કારણે હવે કોઈ વ્યક્તિના ચહેરા કે અવાજની નકલ કરવી સરળ બની છે, જેના કારણે ખોટી માહિતી, નકલી જાહેરાતો અને વાંધાજનક ડીપફેક ઝડપથી ફેલાઈ શકે છે. 

આ સમગ્ર ઘટનાક્રમનો સૌથી મોટો કાનૂની પ્રશ્ન એ છે કે વ્યક્તિની ઓળખની સુરક્ષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચે સીમા ક્યાં નક્કી કરવી? આગામી સુનાવણીઓમાં અદાલતો સમક્ષ એ પણ મહત્વનું રહેશે કે એઆઈથી બનેલા કન્ટેન્ટમાં કયા પ્રકારના ઉપયોગને અનધિકૃત દુરુપયોગ ગણવો અને કયા ઉપયોગને ફ્રી સ્પીચ, ટીકા અથવા પેરોડી હેઠળ રાખવો.