Fri Nov 06 2026

Logo

ટૅક વ્યૂહ: એલ કેપિટન: AI સાથે સુપર કમ્પ્યુટરે વૈશ્વિક સ્તરે હાથ મિલાવ્યા...

2026-10-25 17:33:48
Author: Viral Rathod
ટૅક વ્યૂહ: એલ કેપિટન: AI સાથે સુપર કમ્પ્યુટરે વૈશ્વિક સ્તરે હાથ મિલાવ્યા...

 - વિરલ રાઠોડ

સાયન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલા સંશોધન ઘણીવાર આશ્ર્ચર્યમાં મૂકી દે છે. આખી દુનિયામાં જે રીતે અત્યારે AIની ચર્ચા થાય છે એમ એક સમયે સુપર કમ્પ્યુટરની ચર્ચા થતી હતી. વિશાળ કદનું કમ્પ્યુટર અને અધધધ કહી શકાય એટલી સંખ્યામાં ડેટાને સ્ટોર કરવાની એની ક્ષમતા, વીજવેગે કામ આપી શકે એવી એની સ્પીડ. આ બધાં પાસાઓ વચ્ચે અચાનક એન્ટ્રી કરી AIએ, જે ચેટબોટ મોડલ પરથી વિકસ્યું અને એપ્લિકેશન મારફતે આજે દરેક ફોન સુધી પહોંચ્યું છે. સ્પીડની દુનિયામાં એકબીજાને ટક્કર મારે અને દિમાગને ધ્રુજાવી દે એવા બે મહાધુરંધર ડિવાઈસ જ્યારે હાથ મિલાવે ત્યારે એ અસાધારણ ઘટના કહી શકાય. 

 વાત છે અમેરિકાના મહાનગર અને ટેક સિટી તરીકે ઓળખાતા કેલિફોર્નિયાની લિવરમોર કમ્પ્યુટર લેબમાં તૈયાર કરવામાં આવેલા સુપર કમ્પ્યુટરના નેનો મોડલને વિકસાવવામાં આવ્યું હતું. જેને નામ અપાયું એલ કેપિટન.

કેટલા કરોડનો ખર્ચો?

જાન્યુઆરી 2024માં આ કમ્પ્યુટર એક મોડલ મટીને સુપર કમ્પ્યુટર તરીકે લોંચ થયું. આખી દુનિયામાં એલ કેપિટન જેટલા વિશાળ કદના અને વીજવેગે કામ કરતા મહા કમ્પ્યુટર કહી શકાય એવી સિસ્ટમ માત્ર ત્રણ જ છે. સૌથી પહેલા વાત કરીએ આ મહાકાય કદના સુપર કમ્પ્યુટરની, જે પ્રતિ સેક્ધડમાં 2.79 ક્વિન્ટિલિયન ગણતરીને પાર પાડી દે છે. આને સરળ ભાષામાં સમજીએ તો 10 લાખથી વધારે પ્રીમિયમ ગણાતા સ્માર્ટફોન એક સાથે એક કામ કરે અને તે એક ચોક્કસ ગણતરીની પ્રોસેસ ઓટોમેટિક કરે એ સમયે જે પરિણામ પ્રાપ્ત થાય એ રિઝલ્ટ સુપર કમ્પ્યુટરની એક સિસ્ટમ એક જ વારમાં આપી દે છે. ટૅક્નોલૉજી પર થયેલા સર્વેમાંથી વિગત મળી છે કે, આ સિસ્ટમ તૈયાર કરવા પાછળ 60 કરોડ ડૉલર ખર્ચાયા છે. 6000 ચોરસ ફૂટના વિસ્તારમાં કમ્પ્યુટર સિસ્ટમ કામ કરે છે. એકથી વધારે સ્ક્રિન ધરાવે છે. કોઈ મોટી હવેલીમાં મોટો બેડરૂમ હોય એવો એનો એક રૂમ છે.

AI સાથે કેવી રીતે હાથ મિલાવ્યા?

1.3 મિલિયન પાઉન્ડ જેટલું એનું વજન છે. આ સિસ્ટમ તૈયાર કરવાનો હેતુ માત્ર ગણતરી પૂરતો સીમિત નથી. ભવિષ્યમાં કોઈ એવી ટૅક્નોલૉજી તૈયાર થાય જેને ડાયરેક્ટ આ સિસ્ટમ સાથે મર્જ કરી શકાય એવા હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પછી માર્કેટમાં આવ્યું AI. સિસ્ટમ સંપૂર્ણ રીતે એક્ટિવ થયા બાદ એઆઈ સાથે આ સુપર કમ્પ્યુટરે હાથ મિલાવ્યા. એક સિસ્ટમ પાસે સ્પીડ તો બીજી સિસ્ટમ પાસે ગણતરીથી માંડીને માહિતી સુધીનો ટૅક્નોલૉજીનો આખેઆખો, મલ્ટીમીડિયા સ્વરૂપનો અન્નકૂટ.

હવે એ સમજીએ કે, આટલા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા પાછળનો અમેરિકાનો હેતુ શું હતો? અમેરિકાનો હેતુ અણું હથિયારની ડિઝાઈનમાં નવીનતા અને મેક્સિકોની એક લેબમાં તૈયાર થઈ રહેલા એક પ્રોજેક્ટને હંફાવી દેવાનો હતો. પરસ્પર વિરોધાભાસની વિચારસરણી ધરાવતા કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતો સામસામે આવી ગયા હતા. એલ કેપિટન સિસ્ટમને એ રીતે તૈયાર કરવામાં આવી કે, કોઈ ડિવાઈસ પર પ્રોગ્રામ બનાવીને એનો જ હથિયાર તરીકે ઉપયોગ કરીને દુશ્મનો સામે શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય.

બધાથી આ સિસ્ટમ કેમ અલગ છે?

સુપર કમ્પ્યુટરમાં સિસ્ટમ એવી ફિટ કરવામાં આવી છે કે, કોઈ વિસ્ફોટની તીવ્રતાથી લઈ જે તે શહેરના તાપમાન સુધીની વસ્તુ જાણી શકાય છે. આનાથી થોડું ઊલટું, સિક્યોરિટી સિસ્ટમ એવી કે, આંખ સ્કેન કરીને ડેટા સાચવી શકાય જે ચોક્કસ વ્યક્તિના રેટિના કે ધબકારાની સ્પીડથી જ એનું લોક ખૂલે. એઆઈ સાથે મર્જ કરીને રિસર્ચ ક્ષેત્રે સિસ્ટમ અલગથી કામ કરી શકે એ માટે સિસ્ટમને પછી ઉપયોગમાં લેવામાં આવી હતી. માત્ર માહિતી જ નહીં મોડેલિંગમાં પણ કમ્પ્યુટર શ્રેષ્ઠ પુરવાર થયું હતું. ખાસ કરીને કોઈ મલ્ટિમીડિયા પર કામ કરવાનું હોય ત્યારે એક ઉત્તમ પરિણામ આપી દે.

રશિયાથી બે ડગલા આગળ રહેવા માટે અમેરિકાએ ઘર આંગણે જ ટૅક્નોલૉજીની દુનિયામાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું જાણે બીજા દિવસે કોઈ યુદ્ધ લડવાનું હોય. શસ્ત્રોના ઈરાદા સાથે તૈયાર થયેલી સિસ્ટમ સંશોધન ક્ષેત્રે આવીને કામ કરશે એવું ક્યાં કોઈએ વિચાર્યું હતું? પછી એઆઈ જેવા પ્રોગ્રામિંગ અને કમ્પ્યુટરની જુદી જુદી લેંગ્વેજનો પણ પ્રયોગ કરવામાં આવ્યો, દરેક ટેસ્ટમાં સુપર કમ્પ્યુટર સફળ સાબિત થયું. આખરે એઆઈની એડવાન્સ ટૅક્નોલૉજીની સફળતા એ આ વાત પુરવાર કરી કે, સુપર કમ્પ્યુટર ખરેખર સુપર છે.

દુનિયાના મોટાભાગના સુપર કમ્પ્યુટરને ઓટોમેશન અને એઆઈથી સજ્જસિસ્ટમ માટે હાલમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ડેટા સર્વર તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલાક સુપર કોમ્પ્યુટર સૈન્ય ક્ષેત્ર પણ સક્રિય છે, જે દુશ્મન દેશમાં કોઈ પાદડું ખરે તો પણ એના ચોક્કસ લોકેશનથી લઈને અંતર સુધીની માહિતી આપી દે. આ શોધ પાછળ એક પ્રયોગ જવાબદાર હતો પણ પરિણામ એવું આવ્યું કે એનાથી ટૅક્નોલૉજીની દુનિયામાં એક અલગ દિશા ખૂલી.       

આઉટ ઓફ   ધ બોક્સ

ફિટનેસ પ્રેમી હો તો હેબિટ એપ્સ ટ્રાઈ કરી જુઓ. પાણી કેટલું પીવું અને ક્યારે પીવું એનું પણ સરસ રીમાઈન્ડર આપશે.