Sat Sep 12 2026

Logo

અમદાવાદના મેરેજ બ્યુરોએ રચ્યું ષડયંત્ર: કચ્છના યુવકને યુવતી બતાવી પૂરા પૈસા પડાવ્યા, બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર

2026-08-12 14:24:12
Author: Mumbai Samachar Team
અમદાવાદના મેરેજ બ્યુરોએ રચ્યું ષડયંત્ર: કચ્છના યુવકને યુવતી બતાવી પૂરા પૈસા પડાવ્યા, બીમારીનું બહાનું કાઢી દુલ્હન ફરાર

ભુજઃ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના પ્રાગપર ગામે લગ્નોત્સુક યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી રૂ. ૨.૫૩ લાખની છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવતાં પોલીસે આઠ શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રાગપરના ૩૦ વર્ષીય ખેડૂત મુકેશ મનજી ચૌધરીને અમદાવાદના એક મેરેજ બ્યુરો મારફતે રેશ્માબેન નામની યુવતીનો ફોટો બતાવી લગ્ન માટે રૂ. ૩.૫૦ લાખ માંગવામાં આવ્યા હતા. ગત માર્ચ મહિનામાં આરોપીઓ યુવતીને લઈને પ્રાગપર આવ્યા હતા અને ફૂલહાર કરાવી લગ્નનું નાટક કરી પૂરેપૂરી રકમ મેળવી લીધી હતી. અમદાવાદ પરત ફર્યા બાદ યુવતીએ બીમારીનું બહાનું કાઢી સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો.

બાદમાં યુવતીને અમદાવાદ મુકી આવ્યા પછી આરોપીઓએ યુપીઆઈ મારફતે માત્ર રૂ. ૯૬,૫૦૦ પરત કર્યા હતા. બાકીના રૂ. ૨,૫૩,૫૦૦ પરત ન આપી ફોન બંધ કરી દેતાં છેવટે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે કિરણ ઝાલા, મનોજ ચુનારા, સચિન ઠાકુર, પૂજાબેન ઠાકુર, નિમિશકુમાર શિકરી, ધનજી પટેલ, સરોજબેન અને રેશ્માબેન સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...