અમદાવાદઃ શહેરના જાસપુર સ્થિતિ મુખ્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મેન્ટેનન્સની કામગીરીના કારણે 11 ઓગસ્ટના રોજ પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, જાસપુર 66 કેવી સબસ્ટેશન ખાતે કામગીરીને કારણે વીજ કંપની દ્વારા પાવર શટડાઉન કરવામાં આવશે. જેને પગલે સોમવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી 400 એમએલડી ક્ષમતા ધરાવતો જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 8 કલાક માટે બંધ રહેશે.
કયા વિસ્તારોમાં પાણી કાપની અસર જોવા મળશે
મેઇન્ટેનન્સ કામગીરીના કારણે મંગળવારે રાણીપ, નવા વાડજ, થલતેજ બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, સરખેજ, જોધપુર, સેટેલાઈટ, નવરંગપુરા, એસ જી હાઇવે, વેજલપુર સહિતના વિસ્તારોમાં સોમવારે સવારે ઓછું પાણી આવશે. પ્લાન્ટ બંધ રહેવાને કારણે મંગળવારે પાણીનું વિતરણ હાલના જળાશયોમાં ઉપલબ્ધ સ્ટોક પર નિર્ભર રહેશે. જેના લીધે પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના અનેક વિસ્તારોમાં રહીશોને ઓછા પ્રેશરથી પાણી મળવાની અથવા સપ્લાય બંધ રહેવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
AMC એ શું કરી અપીલ
AMC દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અગાઉથી પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવા અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. બુધવારથી પાણી પુરવઠો પૂર્વવત શરૂ થઈ જવાની સંભાવના છે.