અમદાવાદઃ અમદાવાદમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણીનું સ્તર ઘટી જતા સમગ્ર શહેર માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ 25મી ઑક્ટોબરે શહેરના પૂર્વ અમદાવાદ સહિતના પાંચ ઝોનમાં પાણીના વિતરણમાં ઘટાડો કરવાનો નિર્ણય તંત્ર તરફથી લેવામાં આવ્યો છે. કોતરપુર પંપ હાઉસને પૂરતા પ્રમાણમાં પાણીનો સ્ટોક નહીં મળતા રૉ વોટર પ્રાપ્ય ન થવાની શક્યતાને પગલે આ નિર્ણય કરાયો છે. આ કારણે પૂર્વ અમદાવાદના પાલડી, વાસણા, નારણપુરા સહિતના અનેક વિસ્તારમાં પાણી વિતરણની સમગ્ર વ્યવસ્થાને અસર થવાની ભીતિ છે.
કેનાલમાં ઘટ્યું પાણી
આ સ્થિતિની અસર શહેરના જ 60 લાખથી વધારે લોકોને થઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશનના એક રિપોર્ટ અનુસાર નર્મદાની મુખ્ય કેનાલમાં કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના મુખ્ય સ્ટોકમાં વધઘટ થતા કોતરપુર પંપ હાઉસમાં પૂરતા પ્રમાણમાં રૉ વોટર પ્રાપ્ય નથી. આ કારણે પાણીની પ્રાપ્તિ પર સંકટ ઊભું થયું છે. બીજી તરફ શુદ્ધિકરણ કરીને શહેરને પાણીનું વિતરણ કરવામાં આવે છે. પણ માત્રા ઘટી જવાને કારણે પૂરતું પાણી વિતરણ થઈ શકે એમ નથી.
શુદ્ધીકરણ કરીને શહેરનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે. આ કારણે પાંચેય ઝોનમાં સામાન્ય દિવસોની તુલનામાં પાણી વિતરણમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ અમદાવાદના નિકોલ, નરોડા, અમરાઈવાડી, ઈન્ડિયા કોલોની તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં આ પાણી વિતરણની મર્યાદિત અસર થઈ શકે છે. બીજી તરફ જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ, અસરવા, બહેરામપુરા, નારોલ, દાણીલિમડા, મણિનગર સહિતના વિસ્તારમાં આ અસર વર્તાઈ શકે છે.
આ વિસ્તારોને પણ થશે અસર
બીજી તરફ પાલડી, નવરંગપુરા, અખબારનગર, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારમાં પણ રવિવારે પાણી વિતરણમાં ઘટાડો કરાયો છે. આ કારણે આ તમામ વિસ્તારના નાગરિકોને પાણીનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો પડશે. સ્ટોક કરી રાખવો પડશે. 25 ઑક્ટોબરના રોજ પાણી વિતરણ અંગે કરાયેલા ઘટાડા અંગેની નોંધ લેવા કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે આ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે પણ અપીલ કરાઈ છે.