અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિધા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલયને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીને પગલે વાલીઓને બાળકોને સ્કૂલ લેવા પહોંચી છે. સ્કૂલોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા 11 મહિનામાં 8મી વખત અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
દિલજીતના કોન્સર્ટનો પણ ધમકીના મેઈલમાં ઉલ્લેખ
21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે 1:11 વાગે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સ્કૂલોને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના
આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, જે સ્કૂલને ધમકી ભર્યાં ઈમેલ મળ્યા છે તેમને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સ્કૂલમાંથી તમામ બાળકને સુરક્ષિત બહાર કાઢીને માતા પિતાને સોંપી દેવા આદેશ કરવામાં આવ્યો છે. તપાસમાં પોલીસને સહકાર આપવા પણ જાણ કરવામાં આવી છે.
નારાયણ ગુરુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને છોડી દેવાયા
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સેટેલાઈટની નારાયણ ગુરુ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા છે. વાલીઓને મેસેજ મળતા તાત્કાલિક બાળકોને લેવા માટે શાળાએ પહોંચી ગયા છે.
બોમ્બની ધમકીને પગલે સ્થાનિક પોલીસ કાફલો, સેક્ટર અધિકારીઓ, બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડની ટીમ શાળાઓના પરિસરમાં પહોંચી ગઈ હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર સ્કૂલ બિલ્ડિંગ, વર્ગખંડો, પ્લેગ્રાઉન્ડ અને પાર્કિંગ એરિયાને કોર્ડન કરીને સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.