Thu Nov 19 2026

Logo

અમદાવાદમાં સીએનજી ભાવ વધારો સહિતના મુદ્દે દિવાળી પૂર્વે રિક્ષા અને ટેકસી ચાલકોની આંદોલનની ચીમકી...

2026-10-25 17:20:48
Author: Chandrakant Kanoja
અમદાવાદમાં સીએનજી ભાવ વધારો સહિતના મુદ્દે દિવાળી પૂર્વે રિક્ષા અને ટેકસી ચાલકોની આંદોલનની ચીમકી...

AI


અમદાવાદ: અમદાવાદમાં રિક્ષા અને ટેકસી ચાલકોએ ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમાં શહેરમાં સીએનજીમાં  થયેલો ભાવ વધારો પાછો ખેંચવા અથવા સબસિડી આપવા, ઓનલાઈન એપ્લિકેશનમાં સરકાર દ્વારા નક્કી કરેલા નિયમ ભાડું આપવા અને ગેરકાયદે ચાલતા સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ કરવા માટે 28 ઓક્ટોબર સુધીનું ટ્રાન્સપોર્ટ કમિશનર અને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. તેમજ  માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી ભૂખ હડતાલ અને રેલી યોજીને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સમયાંતરે રિક્ષાભાડાની સમીક્ષાની માંગ 

આ અંગે  ગુજરાત સારથી સંઘ અને વડોદરા શહેર જીલ્લા રીક્ષા ચાલક યુનિયન ઉપરાંત અન્ય યુનિયનોએ તાત્કાલિક સીએનજીમાં  થયેલો ભાવ પરત  ખેંચવા અથવા સરકારને રાહત આપવાની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે  સીએનજીના ભાવ નક્કી કરવાની પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે અને ભાવવધારાનાં કારણોની સમીક્ષા કરવામાં આવે.તેમજ રિક્ષાચાલકોના સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સમયાંતરે રિક્ષાભાડાની સમીક્ષા કરવામાં આવે.આ ઉપરાંત રિક્ષાચાલકો અને સામાન્ય મુસાફરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને વ્યવહારુ ઉકેલ શોધવામાં આવે.તેમજ  જાહેર પરિવહનના ખર્ચમાં રાહત મળે તે માટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ સંકલિત પગલાં ભરે.

ચક્કાજામ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી 

આ પૂર્વે  રિક્ષા અને ટેક્સી ચાલકો બંધ પાળ્યા બાદ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કર્યો છે. તેમજ ઓનલાઈન એપ્લિકેશનમાં સફેદ નંબર પ્લેટની ટુ વ્હીલર બંધ કરવા માંગ કરવામાં આવી હતી. તેમજ એક મહિના પહેલા ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે મળેલી બેઠક બાદ કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે રિક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા 28 ઓક્ટોબર સુધીમાં માંગણીઓનું નિરાકરણ લાવવા ટ્રાન્સપોર્ટ કમિશનર અને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જો તેમની માંગ સ્વીકારવામાં આવે તો રિક્ષા અને ટેક્સી ચાલકો ભૂખ હડતાલ કરશે અને રેલી યોજી ચક્કાજામ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવાળી પહેલા ફરી રિક્ષા અને ટેક્સી ચાલકો આંદોલન કરશે

જોકે, આ દરમિયાન સોમવારે 26 ઑક્ટોબરના રોજ  રિક્ષા અને ટેક્સી ચાલકોના યુનિયનને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીએ બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. જેથી જો માંગણીઓ નહીં સ્વીકારાય તો દિવાળી પહેલા ફરી રિક્ષા અને ટેક્સી ચાલકો આંદોલન કરશે.

તાત્કાલિક રાહતનાં પગલાં લેવામાં આવે

આ ઉપરાંત યુનિયન નું માનવું છે કે રિક્ષાચાલક અને મુસાફર એકબીજાના વિરોધી નથી. બંને મોંઘવારીની અસર સહન કરી રહ્યા છે. રિક્ષાચાલકને પોસાય તેવી આવક મળે અને મુસાફરને પોસાય તેવા ભાડામાં મુસાફરી મળી રહે, તેવી વ્યવસ્થા ઊભી કરવી સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓની પ્રાથમિકતા હોવી જોઈએ. યુનિયનો રાજ્ય સરકારને અપીલ કરે છે કે આ મુદ્દાને માત્ર ભાડાવધારાના પ્રશ્ન તરીકે નહીં, પરંતુ જાહેર પરિવહન, સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ અને હજારો પરિવારોની રોજીરોટી સાથે જોડાયેલા પ્રશ્ન તરીકે જોવામાં આવે અને તાત્કાલિક રાહતનાં પગલાં લેવામાં આવે.