ભુજઃ સરહદી જિલ્લા કચ્છમાં આવેલા બે મહાબંદરોના કારણે, પશ્ચિમ રેલવેમાં માલ પરિવહનમાં અગ્રેસર રહેતા અમદાવાદ ડીવીઝને માલ લોડિંગ ક્ષેત્રે એક જ દિવસમાં ૯૧ રેક લોડ કરીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિમાં ગાંધીધામ વિસ્તારમાં સૌથી વધુ ૭૨ રેકનું લોડિંગ કરીને સિંહફાળો આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં ૯ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ડીવીઝન દ્વારા ૯૧ રેક અને ૩,૮૪૭ વેગનનું રેકોર્ડબ્રેક લોડિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધીની સૌથી વધુ ૨૮ જમ્બો રેક અને ૨૩ ડબલ સ્ટેક કન્ટેનર રેક સહિત કુલ ૪૭ કન્ટેનર રેક લોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે ખાતર સમયસર પહોંચાડવાના હેતુથી ૧૯ ખાતરની રેક તેમજ વિવિધ વિસ્તારોમાં મીઠાની માંગ પહોંચી વળવા માટે ૮ મીઠાની રેક રવાના કરાઈ હતી.
અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશે આ સિદ્ધિ બદલ મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળતાને ટીમવર્ક, શ્રેષ્ઠ સંકલન અને સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનનું પરિણામ ગણાવી હતી અને ભવિષ્યમાં પણ માલ પરિવહન ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(ઉત્સવ વૈદ્ય)