Sat Oct 10 2026

Logo

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બોગસ દસ્તાવેજથી મત આપવાનું અમદાવાદના ચૌધરી યુવકને ભારે પડ્યું, જાણો વિગત

2026-09-12 09:15:00
Author: Mayur Patel
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બોગસ દસ્તાવેજથી મત આપવાનું અમદાવાદના ચૌધરી યુવકને ભારે પડ્યું, જાણો વિગત

અમદાવાદ/વોશિંગ્ટન ડીસીઃ  અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સ્થાયી થયા છે. જોકે કેટલીક વખત તેઓ ગેરકાયદે કામમાં ફસાતા હોય છે. અમેરિકામાં 2024માં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બોગસ અમેરિકન નાગરિક બની વોટિંગ કરનારો અમદાવાદનો મુકેશ ચૌધરી ઝડપાયો હતો. તેને 10 વર્ષ સુધીની જેલની શક્યતા છે. ચૌધરી યુવક સામે મિનેસોટામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મિનેસોટાની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ ભારતીય નાગરિક મુકેશ ચૌધરી સામે બે આરોપો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. તેની સામે ચૂંટણી તંત્રને ખોટી માહિતી આપવાનો એક આરોપ અને માત્ર મતદાન કરવા માટે પોતાને યુએસ નાગરિક તરીકે દર્શાવવાનો બીજો આરોપ છે. જો તે દોષિત સાબિત થાય, તો દરેક ગુનામાં તેને વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. બંને કેસમાં મળીને 10 વર્ષ સુધીની જેલની શક્યતા છે.

મિનેસોટાના કાયદા મુજબ, મતદાર રજિસ્ટ્રી પર સહી કરનાર પ્રત્યેક વ્યક્તિએ તેમની પાસે અમેરિકન પાસપોર્ટ હોવાની પુષ્ટિ કરવી પડે છે. સરકારી વકીલોના જણાવ્યા અનુસાર, ચૌધરીએ મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતે કાયદેસરના અમેરિકન નાગરિક હોવાની ખોટી ખાતરી આપીને 5 નવેમ્બર, 2024ના રોજ મતદાર પાત્રતા પ્રમાણપત્ર પર જાણીજોઈને ખોટું બોલ્યો હતો.

અધિકારીઓએ શું કહ્યું

જોકે, ન્યાય વિભાગના અધિકારીઓએ આ અંગે વધુ વિગતો જાહેર કરી નથી અને ફેડરલ તપાસ એજન્સીઓ પહોંચી તે પહેલાં ચૌધરીએ ખરેખર વોટ આપ્યો હતો કે નહીં તેની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. ચૌધરી પાસે કાયદેસરનું ગ્રીન કાર્ડ હતું કે પછી તે કોઈપણ કાયદેસરના સ્ટેટસ વગર અમેરિકામાં રહેતો હતો, તે અંગે પણ અધિકારીઓએ મૌન સેવ્યું છે.

અમેરિકામાં બોગસ દસ્તાવેજથી મતદાનનો મુદ્દો બન્યો રાજકીય વિવાદ

ટ્રમ્પ સરકાર બોર્ડર અને ચૂંટણી સુરક્ષા અંગે આક્રમક વલણ અપનાવી રહ્યું છે તેવા જ સમયે આ કેસ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની
ચૂંટણીઓમાં બિન-નાગરિકો દ્વારા મતદાન કરવા સંબંધિત ફેડરલ કેસ પ્રમાણમાં ઓછા નોંધાય છે, તેમ છતાં આ મુદ્દો હાલ અમેરિકામાં મોટો રાજકીય વિવાદ બની ચૂક્યો છે.