અમદાવાદઃ શહેરના ઐતિહાસિક કાલુપુર રેલવે સ્ટેશનના થઈ રહેલા ભવ્ય રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને પગલે ભવિષ્યમાં સર્જાનારી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ કમર કસી છે. સ્ટેશન આસપાસના વિસ્તારોમાં વાહનવ્યવહાર સુગમ બનાવવા માટે તંત્ર દ્વારા રસ્તાઓ પહોળા કરવાની મેગા ડ્રાઇવ હાથ ધરાશે. આ અંતર્ગત સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના હાલના ૧૮ મીટરના માર્ગને ૩૦ મીટર સુધી પહોળો કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી વાંધા-સૂચનો માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનનું વિશ્વસ્તરીય અને આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. કામગીરી પૂર્ણ થયા બાદ આ સ્ટેશને દૈનિક અંદાજે ૩.૧૨ લાખ મુસાફરોની અવરજવર રહેવાની ધારણા છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની હિલચાલને ધ્યાને રાખી સ્ટેશન તરફ જવા-આવવા માટે ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવી અત્યંત અનિવાર્ય બની છે.
સૂચિત રોડલાઇનના અમલ માટે સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3 સુધીના પટ્ટામાં નડતરરૂપ બનતી અંદાજે ૧૭ જેટલી મિલકતોને તોડી પાડવામાં આવશે. આ મિલકતો હટાવ્યા બાદ આશરે ૨,૯૬૫ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા હયાત રસ્તામાં ભળી જશે. ૧૮ મીટર પહોળા રસ્તાને વધારીને ૩૦ મીટરનો કરવામાં આવતાં આ સમગ્ર પટ્ટામાં વાહનવ્યવહારની ક્ષમતામાં મોટો વધારો થશે અને ટ્રાફિકજામમાંથી કાયમી મુક્તિ મળશે.
આ ઉપરાંત સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડા તેમજ પરમિટના આધારે ફાળવવામાં આવેલી દુકાનો સામે પણ તંત્રએ લાલ આંખ કરી હતી. આ જમીન કોર્પોરેશનને પરત સોંપી દેવા માટે સંબંધિત તમામ દુકાનધારકોને કાયદેસરની નોટિસો ફટકારવામાં આવી હતી. નિયત પ્રક્રિયા બાદ સમગ્ર વિસ્તારને દબાણમુક્ત કરી કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવવા-જવા માટે વધુ એક પહોળો માર્ગ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.