Tue Nov 10 2026

Logo

અમદાવાદ ફ્લાવર શોમાં શું હશે ખાસ? જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

2026-11-01 09:03:00
Author: Mayur Patel
અમદાવાદ ફ્લાવર શોમાં શું હશે ખાસ? જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

અમદાવાદઃ શહેરમાં યોજાતા ફ્લાવર શોની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. અમદાવાદ ફ્લાવર શો 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 8  કરોડ રૂપિયાના દેશી-વિદેશી ફૂલછોડ અને માટી-કાંપની ખરીદી બાદ હવે ફૂલોમાંથી વિવિધ સ્કલ્પચર બનાવવા રૂ. 12  કરોડનો ખર્ચ કરાશે. આ વખતે જળ સંરક્ષણનો વારસો, વન્ડર્સ ઓફ ગુજરાત, પંચતત્વોની થીમ સાથે આઠ ઝોનમાં વિવિધ ફૂલોથી 30થી વધુ સ્ક્લપચર બનાવવામાં આવશે. આ સાથે અત્યાર સુધીનો ફ્લાવર શોનો ખર્ચ રૂ.20 કરોડે પહોંચી ગયો છે.

ફ્લાવર શોમાં આ વખતે 8  ઝોનમાં વિવિધ સ્કલ્પચર બનાવાશે. જેમાં ફાઇબર, ઇકો-ફ્રેન્ડલી કમ્પોઝિટ, એક્રેલિક, પ્લાયવૂડ, લાકડું અને વાંસનો ઉપયોગ કરાશે. શિલ્પોને હવામાન સામે ટકાવી રાખવા મજબૂત મેટલ ફ્રેમ પર ખાસ કોટિંગ કરાશે. ફ્લાવર શો ઓછામાં ઓછા 18 દિવસ ચાલશે. શો પૂરો થયા બાદ આ શિલ્પો શહેરના વિવિધ ગાર્ડન્સમાં સ્થાપિત કરવામાં આવશે. ઝોન 1માં  જળ સંરક્ષણનો વારસો દર્શાવતી વાવ, ઝોન 2માં વન્ડર્સ ઓફ ગુજરાત, ઝોન 3માં ભારતની કુદરતી સંપત્તિ, ઝોન 4માં કોમનવેલ્થ ગેમ્સનો લોગો, ઝોન 5માં  બડિંગ વન્ડર અંતર્ગત શિયાળ-કાગડાની વાર્તા, ઝોન 6માં દરિયાઈ દુનિયા, ઝોન 7માં ટકાઉ શહેરી વિકાસ અને ઝોન 8માં ભવિષ્યનો બગીચો દર્શાવવામાં આવશે.

ફ્લાવર શોમાં સ્ટોલ ભાડે આપી મ્યુનિ. 1.50 કરોડની કમાણી કરશે. જેમાં નર્સરી એટલે ફૂલ-છોડ, કુંડા વગેરે વેચવા માટે 10 બાય 10 મીટરના 10 સ્ટોલ રૂ.2.5 લાખ, ખાણીપીણીના પાંચ બાય પાંચ મીટરના 20 સ્ટોલ પાંચ લાખની બેઝ રકમથી ભાડે અપાશે. નોંધનીય છે કે, કામચલાઉ ફૂડ સ્ટોલમાં ગેસ સ્ટવ કે ચૂલાનો ઉપયોગ કરી શકાશે નહીં. ફક્ત અવન અને ઈન્ડક્શન વાપરવાની છૂટ અપાઈ છે. આ સાથે 8 સ્ટોલ અન્ય વસ્તુઓના વેચાણ માટે બે લાખમાં ભાડે અપાશે. જો કે આ લઘુત્તમ ભાડું છે. જેના માટે દિવાળી આસપાસ હરાજી કરાશે.

ફ્લાવર શો 2027 ની વિશેષતાઓ
* વાવની થીમ: 256 ફૂટ લાંબી અને 27 ફૂટ ઊંચી વાવની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરાશે, જેમાં 48 થાંભલા, 230 ફૂટ લાંબી મેટલ ફ્રેમ વોલ, 73 ફૂટનો કુંડ-ફુવારો અને એક કિનેટિક લોગો જોવા મળશે.

* ગુજરાતની અજાયબી: કચ્છના સફેદ રણની થીમ સાથે 20 ફૂટ ઊંચા સૂર્ય અને ચંદ્ર, કપાસનાં ફૂલની 40 પ્રતિકૃતિઓ તથા 40 ફૂટની આકર્ષક વોલ ઇન્સ્ટોલેશન રજૂ થશે.

* દેશની કુદરતી સંપત્તિ: ભારતના દુર્લભ ફૂલોની 8 ખાસ પ્રતિકૃતિઓ અને ધોધ જેવી 2 વિશાળ કુદરતી રચનાઓ ઊભી કરાશે.

* કોમનવેલ્થ ગેમ્સ: 101 ફૂટ લાંબી અને 15 ફૂટ ઊંચી 2 ઇન્ટરેક્ટિવ વોલ, ખેલાડીઓનાં 11 ફૂટ ઊંચાં 4 શિલ્પો, ગેમ્સનો લોગો અને 16 ફૂટ ઊંચો મધ્યસ્થ થાંભલો પ્રદર્શિત કરાશે.

* બાળવાર્તા: કાગડો અને શિયાળની જાણીતી વાર્તા આધારિત શિલ્પો, પશુ-પક્ષીઓ તેમજ 42×42 ફૂટનો ઘેરાવ ધરાવતી અને 30 ફૂટ ઊંચી વિશાળ વડલાની રચના મુકાશે.

* દરિયાઈ જીવસૃષ્ટિ: 20 ફૂટની વિશાળ વ્હેલ માછલી ઉપરાંત ઓક્ટોપસ, કાચબો, જેલીફિશ, સી-હોર્સ (દરિયાઈ ઘોડો) જેવાં જળચર જીવોનાં શિલ્પો અને ૨ ફિન સ્ટ્રક્ચર આકર્ષણ જમાવશે.

* પર્યાવરણલક્ષી શહેર (ગ્રીન સિટી): 'મિશન મિલિયન ટ્રી' હેઠળ 2 અર્બન ગ્રીનિંગ ગ્રિડ તૈયાર કરાશે, સાથે 20 એવોર્ડ વિજેતા બોન્સાઈ વૃક્ષો અને 10 ટેરેરિયમ પ્લાન્ટ્સનું પ્રદર્શન યોજાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ફ્લાવર શોમાં 17 કરોડના ખર્ચ સામે મ્યુનિ.ને 11.67 કરોડની જ આવક થઈ હતી. તેમજ મુલાકાતીઓની સંખ્યા ઘટી ગઈ હતી. ત્યારે આ વખતે ફૂલવાર શોને કેવો પ્રતિસાદ મળશે, તેના પર લોકોની મીટ મંડાઈ છે.