અમદાવાદ: નવરાત્રિમાં અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાંની વધુ એક ઘટના સામે આવી હતી. દાણીલીમડા બાદ ગોતા વિસ્તારમાંથી અખાદ્ય સોસ બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. તંત્ર દ્વારા પપૈયા-બટાકા અને જોખમી કલરથી સોસ બનાવતી ફેક્ટરીમાંથી 10,000 કિલો જથ્થો જપ્ત કરાયો હતો અને ફેકટરી સીલ મારવામાં આવી હતી.
મળતી વિગત પ્રમાણે, ગોતા રેલવે સ્ટેશન નજીક આવેલા મેલડી એસ્ટેટમાં આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ નામના એકમ પર અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ એકમમાં ટામેટાંના ઉપયોગ વગર જ કથિત ટામેટાં સોસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તંત્રએ ઘટનાસ્થળ પરથી અંદાજે 10,630 કિલો સોસ અને રૉ-મટિરિયલનો જથ્થો જપ્ત કરી એકમને સીલ કર્યું હતું.
ફૂડ વિભાગની તપાસમાં બહાર આવ્યું કે, આ ફેક્ટરીમાં ટામેટાંને બદલે પપૈયાના પલ્પ, બાફેલા બટાકા, ખાંડ અને આરોગ્ય માટે અત્યંત જોખમી એવા સિન્થેટિક કલરનું મિશ્રણ કરીને લાલચટક સોસ તૈયાર કરવામાં આવતો હતો. આ ભેળસેળિયા પદાર્થને નાના કેરબાઓમાં ભરીને બજારમાં ટામેટાં સોસ કે ટામેટાંની ચટણી તરીકે વેચવામાં આવતો હતો.
આ નકલી સોસ મોટાભાગે સ્થાનિક લારી-ગલ્લા અને ફાસ્ટફૂડના નાના વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો. દાબેલી, વડાપાંઉ, સેન્ડવિચ અને બર્ગર જેવા ખાદ્ય પદાર્થો સાથે ગ્રાહકોને અજાણતા જ આ ભેળસેળિયું કેમિકલયુક્ત મિશ્રણ પીરસવામાં આવી રહ્યું હતું. લોકો સ્વાદથી જે સોસ ખાઈ રહ્યા હતા, તેમાં એક પણ ટામેટું નહીં હોવાની વિગતો બહાર આવી હતી. તંત્રએ સ્થળ પરથી આશરે પાંચ ટન જેટલો તૈયાર સોસ તથા કાચો માલ જપ્ત કરીને તેના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા હતા.