Thu Nov 19 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પરથી 13 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત, બે લોકોની ધરપકડ

2026-11-01 21:06:00
Author: Mumbai Samachar Team
અમદાવાદ એરપોર્ટ પરથી 13 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત, બે લોકોની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે થાઈ એરવેઝની ફ્લાઇટમાંથી બે મુસાફરો પાસેથી 13.012 કિલો હાઇડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો હતો. તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગાંજો મુસાફરોની ટ્રૉલી બેગ તપાસ કરતાં તેમાંથી મળી આવ્યો હતો. 

બેંગકોકથી આવેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડ્યા

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ  અને કસ્ટમ્સ વિભાગ દ્વારા  મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે શંકાસ્પદ મુસાફરોને ઝડપી પાડ્યા હતા. આ બંને મુસાફરો થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG-343 મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા.

વેક્યૂમ સીલ કરેલા કુલ 14 પેકેટ મળી આવ્યા 

જોકે, કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે  બંને મુસાફરોની ગતિવિધિઓ પર શંકા જતા તેમને તપાસ અર્થે રોક્યા હતા. ત્યારબાદ તેમની ચેક-ઇન ટ્રોલી બેગ્સનું એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન બેગની અંદર શંકાસ્પદ  વેક્યૂમ સીલ કરેલા કુલ 14 પેકેટ મળી આવ્યા હતા.

ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કસ્ટમ્સ અધિકારીઓએ પેકેટ્સમાં રહેલી સામગ્રીની પ્રાથમિક તપાસ કરતાં અને ડ્રગ ડિટેક્શન કિટથી ચકાસણી કરતાં તે હાઇડ્રોપોનિક્સ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે કસ્ટમ્સ અધિકારીઓએ કુલ 13.012 કિલોગ્રામ હાઇડ્રોપોનિક્સ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.