Sun Nov 15 2026

Logo

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી તણાવ વધ્યો! અથડામણમાં 7 પાક સૈનિકોના મોત

Kabul   2026-10-18 08:52:00
Author: Vimal Prajapati
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી તણાવ વધ્યો! અથડામણમાં 7 પાક સૈનિકોના મોત

કાબૂલઃ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર વારંવાર તણાવ જોવા મળે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છાશવારે તણાવની સ્થિતિ જોવા મળતી હોય છે, તેવામાં ફરી સ્થિતિ વણસી હોવાના અહેવાલ મળ્યાં છે. પાક્તિયા પ્રાંતના દાંદ પાટન જિલ્લામાં બનેલી તાજેતરની ઘટનામાં, 7 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે સરહદી વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અફઘાનિસ્તાનમાં આવેલા પક્તિયા પ્રાંતમાં બપોરના સમયે અથડામણ સર્જાયો હતો. આ અથડામણ ખાસ કરીને દંડ પાટન જિલ્લામાં, ખરાલચી ગેટ, ટોપ સર અને કોન્જ અલી સેક્ટરોની નજીક થઈ હતી. આ સંઘર્ષને કારણે સરહદ પારનો વેપાર ખોરવાઈ ગયો અને સુરક્ષા સંબંધિત ચિંતાઓને લીધે નજીકના ગામોના રહેવાસીઓએ પોતાનાં ઘર છોડવાં પડ્યાં હતાં.

પાકિસ્તાને આ હુમલા અંગે કેવો દાવો કર્યો?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બંને દેશો દ્વારા અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. અફઘાન સુરક્ષા સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાની ગોળીબારના જવાબમાં તેમના સૈનિકોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો. તેમણે ઈસ્લામાબાદ પર સરહદ નજીક અનધિકૃત સૈન્ય ચોકીઓ સ્થાપવાનો આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે આ અથડામણો દરમિયાન પાકિસ્તાની સૈનિકો જાનહાનિનો ભોગ બન્યા હતા. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ અલગ જ દાવો કર્યો છે. પાકિસ્તાનીઓ આરોપ લગાવે છે કે, અફઘાન સરહદી રક્ષકોએ પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં આવેલી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના પગલે પાકિસ્તાની દળોએ વળતો જવાબ આપ્યો હતો. 

આ પરસ્પર વિરોધી દાવાઓ તેમ જ મૃત્યુઆંક અંગે હજી પુષ્ટિ થઈ શકી નથી. પહેલા હુમલો પાકિસ્તાને કર્યો કે, પછી અફઘાનિસ્તાને પહેલા ગોળીબાર કર્યો તેની કોઈ પુષ્ટી થઈ નથી. પરંતુ આ અથડામણમાં 7 પાકિસ્તાની સૈનિકોના મોત થયાં છે. આ બોર્ડર પર વારંવાર ગોળીબારના સમાચાર આવતા રહે છે.