થાણે: આદિવાસી સમુદાયની વિવિધ માંગણીઓના ઝડપી નિરાકરણની માગ સાથે 27 ઓક્ટોબરે થાણે જિલ્લાના ભિવંડીથી દક્ષિણ મુંબઈ સ્થિત મંત્રાલય સુધી વિશાળ કૂચ કાઢવામાં આવશે. શ્રમજીવી સંગઠને શનિવારે આ જાહેરાત કરી હતી. સંવિધાન હક સંઘર્ષ મોરચાના બેનર હેઠળ યોજાનારી આ કૂચમાં ઓછામાં ઓછા એક લાખ લોકો જોડાશે એવો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.
શ્રમજીવી સંગઠનનાં સીતા ઘાટાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આદિવાસી સમુદાય હવે માત્ર મૌખિક આશ્વાસનો સ્વીકારશે નહીં. માંગણીઓ અંગે સ્પષ્ટ લેખિત નિર્ણય આપવામાં નહીં આવે ત્યાં સુધી કૂચ પાછી ખેંચવામાં આવશે નહીં. સંગઠનની મુખ્ય માંગણીઓમાં ધોરણ 12 સુધી મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી આપવાનો તથા વન અધિકાર કાયદા હેઠળના તમામ પડતર દાવાઓનો 15 ડિસેમ્બર, 2026 સુધીમાં સંપૂર્ણ નિકાલ કરવાની લેખિત ખાતરી આપવાનો સમાવેશ થાય છે.
ઘાટાલે જણાવ્યું હતું કે આજે પણ હજારો આદિવાસીઓ પાસે આધાર કાર્ડ નથી. સરકારી દસ્તાવેજોના અભાવે તેમને પડતી મુશ્કેલીઓ અને વન અધિકાર કાયદા હેઠળના પડતર દાવાઓ જેવા મુદ્દાઓને લઈને આદિવાસી વિસ્તારોમાં કૂચની તૈયારીઓ ચાલી રહી છે. દૂરના આદિવાસી ગામો અને વસાહતોમાં પણ લોકો આંદોલનમાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે.
કૂચમાં ભાગ લેનારાઓને ભોજન મળી રહે તે માટે મહિલાઓ ‘એક ભાકર ભાઉસાથી’ પહેલ હેઠળ ખોરાક તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ પહેલનો હેતુ કૂચમાં જોડાનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.તેનાથી આ કૂચમાં સામેલ દરેકને ભોજન પણ પૂરું પાડવાની વ્યવસ્થા કરી દેવાઈ છે.
મોટી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 1,500થી વધુ સ્વયંસેવકો અહીં તૈનાત રહેશે. તેઓ કૂચમાં શિસ્ત જાળવવા ઉપરાંત પીવાના પાણી, સ્વચ્છતા અને તબીબી સુવિધાઓનું સંકલન કરશે. મોટી સંખ્યામાં ભાગ લેનારી મહિલાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, તેવી માહિતી પણ શ્રમજીવી સંગઠને આપી હતી.